- સોલા સિવિલના ડૉક્ટરો લાંચ લેતા ઝડપાયા
- કેન્ટીનના કોન્ટ્રાકટર પાસે બિલ મંજૂર કરાવવા માંગી લાંચ
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સમયમાં ડૉકટર્સ તથા સ્ટાફ મેમ્બરોને જમવા, ચા-પાણી તથા નાસ્તો પુરો પાડવાનો કેટરીંગ કોન્ટ્રાક્ટ જે વ્યક્તિને આપવામાં આવ્યો હતો, તેનું છેલ્લા 3થી 4 માસનું રૂપિયા 1 કરોડ 18 લાખનું બિલ બાકી હતું. કોન્ટ્રાક્ટર દ્વારા 4 મહિના સુધી ડૉક્ટર્સ, સ્ટાફ અને દર્દીને ચા-પાણી તથા જમવાનું પૂરૂ પાડવામાં આવ્યું હતું. કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલા રૂપિયા 1,18,00, 000ના બિલને મંજૂર કરાવવા માટે સોલા સિવિલમાં RMO ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી શૈલેષ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી પ્રથમ 30% લેખે લાંચની માગણી કરી હતી.
ACBના છટકામાં ફસાયા લાંચિયા ડૉક્ટરો
આ અંગે કોન્ટ્રાક્ટર પાસેથી 30 ટકાની જગ્યાએ 16 ટકા એટલે 16 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું. ઉપરાંત આગામી 3 વર્ષના ટેન્ડર માટે બીજા 2 લાખ એમ કુલ રૂપિયા 18 લાખ આપવાની ડીલ થઈ હતી અને તેમાંથી રૂપિયા 10 લાખ અગાઉ લઈ લીધા હતા, જ્યારે રુપિયા 8 લાખ ફરી માંગતા કોન્ટ્રાક્ટર તેમને રકમ આપવા જતી વખતે ACB એ ગોઠવેલા છટકામાં તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.