અમદાવાદઃ કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી ધરાવતા દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ તેમાં પણ ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓને નિયમિત ડાયાલિસીસ કરાવવાની તાકીદ જરૂરિયાત ઉભી થાય છે. આવા દર્દીઓનું સમયતાંરે ડાયાલિસીસ કરાવવામાં ન આવે તો જીવ ટકાવી રાખવો મુશકેલ બની રહે છે. જેને ધ્યાનમાં રાખીને ડાયાલિસીસની તાકીદ જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી ડાયાલિસીસની સુવિધા મળી રહે તે નિર્ધાર સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલાયદુ ડાયાલિસીસ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.
અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલના ત્રીજા માળે અલાયદા ડાયાલિસીસ વોર્ડમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 5 ડાયાલિસીસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દી કોરોના સંક્રમિત થઇને ઓ.પી.ડી.માં સારવાર અર્થે આવતા, ત્યારે તેમને સામાન્ય વોર્ડમાં દાખલ કરવા પડતા હતા. ત્યારબાદ આઇ.સી.યુ.માં ડાયાલિસીસ કરાવવું પડતુ હતુ. આ સંપૂર્ણ પરિસ્થિતીને ધ્યાને રાખાને જ સિવિલ હોસ્પિટલની આ પહેલ ઓ.પી.ડી.માં આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અસરકારક નિવડશે.
આ ડાયાલિસીસ કેન્દ્રમાં એકસાથે 5 દર્દીઓ ડાયાલિસીસ કરાવી શકશે. ડાયાલિસીસની પ્રક્રિયામાં શુદ્ધ પાણીની ખાસ જરૂર પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક આર.ઓ.પ્લાન્ટની પણ અલાયદી વ્યવસ્થા આ ડાયાલિસીસ વોર્ડમાં કરવામાં આવી છે. ડાયાલિસીસમાં ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણો અને સુવિધાઓ આ વોર્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેટ ડૉ.જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેઓ કિડનીની તકલીફ ધરાવે છે, તેમને અઠવાડિયામાં 2થી 3 વખત ડાયાલિસીસ કરાવવાની જરૂરીયાત ઉભી થતી હતી. દિવસ દરમિયાન 30થી વધુ દર્દીઓનું ડાયાલિસીસ કરાવવામાં આવતું હતુ. સપ્ટેમ્બર મહિનામામં 211 દર્દીઓનું ડાયાલિસીસ કરાવવામાં આવ્યું હતું. ડાયાલિસીસ માટે તેમને સામાન્ય વોર્ડથી આઇ.સી.યુ.વોર્ડમાં ખસેડવા પડતા હતા. જેથી દર્દીને શારિરીક તેમજ માનસિક તકલીફ ઉભી થતી હતી. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને અને દર્દીઓને સરળતાથી ડાયાલિસીસની સુવિધા મળી રહે તે માટે કોરોના ડેડિકેટેડ 1,200 બેડ હોસ્પિટલમાં દેશનું સૌપ્રથમ ઇન હાઉસ ડાયાલિસીસ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના ડેડિકેટેડ 1,200 બેડ હોસ્પિટલમાં આ અગાઉ પણ દર્દીઓના સ્વાસ્થય સુવિધાઓ માટે ઇન હાઉસ લેબોરેટરી, દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક, દેશનું સૌપ્રથમ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો હતો. હવે ઇન હાઉસ ડાયાલિસીસ વોર્ડ કાર્યરત કરીને હોસ્પિટલની સ્વાસ્થય સેવાઓમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.