અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 કૃષિ બિલનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તેમ જ સાથી પક્ષ શિરોમણી અકાલી દળે પણ આ ત્રણેય બિલને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. આવી જ રીતે કૃષિ બિલના વિરોધનો રેલો ધોળકા સુધી પહોંચ્યો હતો. રાજ્યભરના કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા કૃષિ બિલના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓ ગાંધીનગર ન પહોંચે અને વિશાળ માત્રામાં ભેગા ન થાય તે હેતુથી પોલીસે આ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ધોળકાના 57 કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વટામણ ચોકડી ખાતેથી કોઢ પોલીસે 50 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જ્યારે ધોળકામાંથી 7 એમ કુલ 57 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસે કૃષિ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ નવો કૃષિ કાયદો એ કાળા કાયદા સમાન છે. જે ખેડૂત વિરોધી કાયદો છે તેથી ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ મળશે નહીં. બજારમાં વેપારીઓ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં નહીં આવે અને ખેડૂતોનું શોષણ કરવામાં આવશે.