અમદાવાદઃ સમગ્ર દક્ષિણ ભારત સહિત ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. ગુજરાત સહિત અમદાવાદમાં કેટલાક સમયથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના લોકો આ સમયે પોતાનો કિમતી માલ સામાન પલળે નહીં તેમજ ઘરમાં પાણી ન પ્રવેશે તે માટે તાડપત્રી સહિતના મોટા પ્લાસ્ટિક/મેણિયાની ખરીદી કરતા હોય છે.
જેનું માર્કેટ મોટાપાયે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કાલુપુર અને ગાંધી રોડ જેવા પ્રખ્યાત વિસ્તારોમાં ભરાતું હોય છે. આ વખતે પણ કોરોનાના કહેરમાં લોકડાઉન ખુલતા આ માર્કેટ શરૂ થયું છે. પરંતુ માર્કેટમાં ખૂબ જ મંદી જોવા મળી રહી છે. કારણકે, દરેક સિઝનની સરખામણીમાં અત્યારે ગ્રાહકો 20 ટકા જેટલા જ જોવા મળી રહ્યા છે. એટલે કે ગ્રાહકોમા 80 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ પ્લાસ્ટિક બનાવતી કંપનીઓએ સપ્લાય ઓછો કર્યો છે, ત્યારે માલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. એટલે કે ગંગા ઊલટી દિશામાં વહી રહી હોય તેમ માંગ ઓછી છે અને કિંમત વધુ છે.
આનું કારણ આપતા પ્લાસ્ટિકમાં વેપારીઓ જણાવે છે કે, કોરોનાવાઈરસના કારણે લોકોના ધંધા રોજગાર બંધ રાખ્યા છે. તેથી ગરીબ અને મધ્યમ પરિવાર પાસે આવક નથી. તેઓ વસ્તુઓ ખરીદવાનું ટાળી રહ્યા છે, ગ્રાહકો ઓછા છે. પરંતુ સામે પક્ષે ફેક્ટરીઓ પણ બે મહિના બંધ રહેતા તેમના ખર્ચ અત્યારે વધ્યા છે. જ્યારે મટીરીયલ મોંઘુ પડતું હોવાથી અને સપ્લાય પણ ઓછો હોવાથી કિંમત વધી છે.