- પ્રાકૃતિક ખેતીથી ખેડૂત, પર્યાવરણ અને ગ્રાહક એમ ત્રણેયને ફાયદો
- નાગરિકોને ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં પધારવા અપીલ કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
- પ્રાઈમ લોકેશન પર ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલનું આયોજન
અમદાવાદઃ આજે રવિવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021 ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. જે પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૃષિ પ્રધાન આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ ખાતુ સતત ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી રહ્યુ છે: નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત વડોદરા અને રાજકોટમાં કૃષિ ખાતા દ્વારા આ પ્રકારના ઓર્ગેનિક પ્રોડક્ટ ફેસ્ટિવલ વેચાણનું આયોજન કરાયું છે. કૃષિ વિભાગ ગુજરાતમાં ખેડૂતોને ઉત્પાદન વધારવા અને તેના વેચાણ માટે સતત પ્રોત્સાહન પુરું પાડે છે. જે માટે સતત ખેડૂતોને માર્ગદર્શન, પ્રોત્સાહન અને સબસીડી પણ આપવામાં આવે છે. અમદાવાદમાં પ્રાઈમ લોકેશન પર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અનેક પ્રકારના ફળફળાદી, શાકભાજી, અનાજ અને કૃષિ આધારિત ઓર્ગેનિક ઉત્પાદન મળશે.
આ પણ વાંચોઃ સાવલીમાં ખેડૂતે ગૌ આધારીત ખેતીમાં કેળા અને દેશી ટામેટાંમાંથી પાવડર બનાવવાનો નવો પ્રયોગ કર્યો
આ ફેસ્ટિવલમાં વિવિધતા યુક્ત ખેતપેદાશ
ગુજરાતના ખેડૂતો મોટાપાયે સરકારી સહાય લઇ રહ્યા છે. લોકો હવે ઓર્ગેનિક આહાર તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતી અને છાણીયા ખાતરનું મહત્વ પણ લોકો સમજે છે. આ ફેસ્ટિવલમાં જુદા-જુદા કલર, દેખાવ, કદ અને સ્વાદિષ્ટતામાં પણ વિવિધતા ધરાવતી ખેત પેદાશ જોવા મળે છે. ફળોમાં બાગાયતી પાકોને પ્રાકૃતિક રીતે ઉછેર્યા હોય તો તેની ઊંચી કિંમત મળે છે. ખેડૂતોએ પણ ઓર્ગેનિક ખેતી તરફ ઉત્સાહ બતાવ્યો છે. નાગરિકો હવે આરોગ્ય પ્રત્યે જવાબદાર બન્યા છે. આ સાથે ઓર્ગેનિક વસ્તુઓ વેચીને ખેડૂતો પણ સારી આવક પ્રાપ્ત કરી શકે છે.
સરકાર ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપી રહી છે: નીતિન પટેલ
સરકાર પણ ગાય આધારિત ખેતીને મહત્વ આપી રહી છે. પ્રાકૃતિક ખેતી દુનિયાની જરૂરત બની છે. ઓર્ગેનિક ખેતીને ગુજરાત સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં લોકોને પણ ધ્યાન થયું છે કે, ગુજરાતના ખેડૂતો પણ મોટી માત્રામાં ઓર્ગેનિક ખેતી કરે છે. જેમાં પેસ્ટિસાઈડ્ઝનો ઉપયોગ ન થતા જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહે છે.