અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે મંગળવારે જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાના સામ્રાજ્ય પર કોર્પોરેશન વિભાગ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. નઝીર વોરા સામે અત્યાર સુધીમાં 20થી વધુ ગુના નોંધાયા છે.

નોંધપાત્ર છે કે, ખંડણી, મારામારી, હત્યાની કોશિશ, હથિયાર અને જમીન પચાવી પાડવા જેવા અનેક ગુનાઓ તેના વિરૂદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન તેમજ અન્ય જગ્યાઓ પર નોંધાયા છે. એ.એમ.સીની સાથે મળી આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

AMC દ્વારા નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનની કામગીરીના વીડિયો પણ સામે આવ્યા છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન એક તરફના રોડને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ અસામાજિક તત્વો તોફાન ન કરે તે માટે મોટી સંખ્યામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ડિમોલિશન દરમિયાન આસપાસના લોકોને પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યાં મુજબ અમદાવાદમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અમદાવાદ મહાનગરપાલિકા સક્ષમ છે.
