- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આપ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ
- ગુજરાત AAP દ્વારા સોશિયલ મીડિયામાં સોન્ગ લોન્ચ કરાયું
- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ શો
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ પાર્ટી પુરજોશમાં તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અમદાવાદમાં 6 ફ્રેબુઆરીના રોજ ભવ્ય રોડ શો કરશે. રોડ શોને લઇને AAP દ્વારા સોશિયલ મીડિયામાં સોન્ગ લોન્ચ પણ કરવામાં આવ્યું છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
![મનીષ સિસોદિયાનો અમદાવાદમાં રોડ શો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-19-manish-sisodiya-aap-road-show-photo-story-7208977_04022021182347_0402f_1612443227_242.jpg)
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ શો
ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં હોવાથી બહુપાંખિયો જંગ જોવા મળવાનો છે. આપ પાર્ટી દ્વારા એક મહિના અગાઉ ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીની રણનીતિ ઘડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ગુજરાતમાં આપ પાર્ટીનો પ્રચાર કરવા માટે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અમદાવાદ આવી રહ્યાં છે. સિસોદિયા અમદાવાદમાં રોડ શો કરીને આપ પાર્ટીનું શક્તિ પ્રદર્શન કરશે.
પાર્ટી સાફ રાજનીતિ કરવા માગે છે: રાષ્ટ્રીય પ્રવક્તા આતિશી માર્લેના
ગુજરાતમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સૌ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આપ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આતિશી માર્લેનાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પાર્ટી સાફ રાજનીતિ કરવા માગે છે અને એટલા માટે જ ઘણા સમય પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવારોની ચકાસણી કરીને ટિકિટ આપે છે. જોકે જો કોઈને ઉમેદવારો વિશે પાર્ટીને કંઈ જાણ કરવી હોય તો ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપી શકે છે.