અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લૉકડાઉન હળવું થયા બાદ ફરી ગેરકાયદેસર વેપાર બેફામ બન્યો છે. શાહપુર વિસ્તારમાં દારૂ અને યુવા ધનને બરબાદ કરનાર સફેદ પદાર્થ મોટી માત્રામાં વેચાતો હતો, ત્યારે લૉકડાઉન અને સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ હોવા છતાં મોટી સંખ્યામાં જીવોને શાહપુર વિસ્તારમાં ઘુસાડવામાં આવ્યા અને કેટલાક જીવોની તો કતલ પણ કરવામાં આવી હતી.અન્ય જીવો મોતને ન ભેટે તે પહેલા જ Zone 2 DCP ધર્મેન્દ્ર શર્માને બાતમી મળી અને ત્યાં રેડ કરતા 75 પાડા- ભેંસોને જીવતા બહાર નીકળ્યા જ્યારે 5થી વધુ જીવો મૃત હાલતમાં જોવા મળ્યા હતાં.
વિસ્તારમાં કોઈ પણ વાહન પ્રવેશે તે પહેલા પોલીસ ચેકિંગ થયા વગર કોઇ પણ વાહન પ્રવેશી શકતા નથી. તેવામાં મોટી સંખ્યમાં જીવોને શાહપુર વિસ્તારમાં ઘુસાડવામાં આવ્યા છે. લૉકડાઉન હળવું થયા બાદ ફરી ગેરકાયદે કતલખાના બેફામ બન્યા છે.
શાહપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે કતલખાના ચાલતા હોવાની Zone-2 DCPને બાતમી મળતા DCP સહિત તેમની સ્કોડે ત્યાં રેડ કરી હતી. ત્યાર બાદ પોલીસે 75 જેટલા પાડા- ભેંસો, 5 કતલ થયેલા અન્ય પશુ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોરોના વોરિયર્સ અને એસેન્સિયલના સ્ટિકર અને જીવદયા લખેલી ગાડીઓમાં પશુ અને માંસની હેરાફેરી કરતા આઈશર, ટાટા ટેમ્પો સહિત 3થી વધુ વાહનો મળી મોટા પાયે ચાલતા કતલખાનાને પકડવામાં Zone 2 DCP ધર્મેન્દ્ર શર્માને સફળતા મળી હતી. તેમજ 5 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.
જો કે, આવતીકાલે ઇદ હોવાથી મિર્ઝાપુરમાં રાણી રુકમતિ મસ્જિદની બાજુમાં ગેરકાયદે ખૂબ મોટું કતલખાનું ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે શાહપુરમાં રેડ કરતા કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરવા માટે પશુઓ ભેગા કર્યાં હતા, ત્યાર બાદ પોલીસે તમામ અબોલ જીવને બચાવી લીધા હતા, પરંતુ અહીં મહત્વનો સવાલ એક એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, શાહપુર પોલીસને આ બાબતની કોઈ ગંધ આવી જ નથી. જેના કારણે DCP આ સમગ્ર કામગીરી કરવી પડી છે. શાહપુર વિસ્તારમાં વાહન પ્રવેશતા પહેલા તમામ પ્રકારની ચેકીંગ થાય છે, ત્યારે કોની રહેમરાહે આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યમાં જીવો મિર્ઝાપુરમાં પ્રવેશ્યા તે પણ એક મોટો તપાસનો વિષય છે.
જો કે, આ અંગે DCP ધર્મેન્દ્ર શર્માએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. તેમને જણાવ્યું કે, હાલ આરોપીઓને નજરકેદ કરવામાં આવ્યા છે. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેમની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. સાથે કોની રહેમરાહે જીવોને ઘુસાડવામાં આવ્યા તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
જો કે, સમગ્ર ઘટનામાં એક બાબત સ્પષ્ટ છે. શાહપુર પોલીસ ઊંઘમાં રહી અને તેને આ બાબતની કોઈ ગંધ પણ ના આવી જ્યારે DCPને સીધી બાતમી મળી તેમને આ અંગે કાર્યવાહી કરવી પડી હતી. જેના કારણે અનેક જીવો આજે બચી ગયા હતા. જેના લીધે જીવદયાપ્રેમીઓએ DCPનો આભાર વ્યક્ત કર્યો હતો.