અમદાવાદઃ સાયબર ક્રાઇમે આણંદના ધીરજ પ્રજાપતિની ધરપકડ કરી છે. આરોપીને એકાદ વર્ષ પહેલાં ઇન્ટરનેટ પરથી માહિતી મળી હતી કે, વડા પ્રધાન તરફથી સિલાઈ મશીનનું કામ કરતા કારીગરોને સિલાઈ મશીન ફ્રી આપવાની યોજના ચાલુ છે. તેમાંથી તેણે સિલાઈ મશીનના ફોટો ડાઉનલોડ કર્યા હતા. તેણે જસ્ટ ડાયલ પરથી આવું કામ કરતા લોકોના નંબર મેળવીને ટ્રુ કોલરમાં નામ અને સરનામાની વિગત મેળવીને તેમને ફોન કરતો હતો, અને તેઓનું બેંક એકાઉન્ટ જો કાલુપુર કો.ઓ. બેંકમાં હોય તો તેમને આ મશીન ફ્રીમાં મળતું હોવાની કહીને તેમના બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ અને મોબાઈલમાં આવેલ ઓટીપી સહિતની વિગતો મેળવી લેતો હતો અને તેના આધારે નેટ બેન્કિંગ કરીને રૂપિયા ટ્રાન્સફર કરી લેતો હતો.
આરોપીએ અત્યાર સુધીમાં લગભગ 20 જેટલા લોકોને આ પ્રકારે ભોગ બનાવ્યા હોવાની જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.