- ગુજરાતમાં હાલ 69 POCSO કોર્ટ કાર્યરતઃ ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર
- ગુજરાતમાં વર્ષ 2015 સુધીમાં 26 જિલ્લામાં POCSO માટેની કોર્ટની રચના કરવામાં આવી
- ગુજરાત સરકાર વધુ 24 કોર્ટ અને 11 એક્સક્લુઝિવ કોર્ટ કાર્યરત કરશે
અમદાવાદઃ દેશના ભાવિ માટે બાળકોનું રક્ષણ કરવું આદર્શ સમાજ માટે અનિવાર્ય છે. બાળકોને સભ્ય વાતાવરણની સાથે તેમના સ્વાભિમાનને કોઈ ઠેસ ન પહોંચે તે માટે કેન્દ્ર સરકારે વર્ષ 2012માં POCSO એટલે કે પ્રોટેક્શન ઓફ ચીલ્ડરન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસનો કાયદો ઘડી તેમને રક્ષણ આપવાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. વળી સમયાંતરે તેમાં જરૂરિયાત મુજબ અમેડમેન્ટ પણ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં આ વિષયે શું પરિસ્થિતિ તેનો તાગ મેળવવો પણ એટલુ જ જરૂરી છે.
શું છે ગુજરાતની સ્થિતી?
POCSO (પ્રોટેક્શન ઓફ ચીલ્ડરન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ અંતર્ગત અલગથી કોર્ટ, જજ, સરકારી વકીલ અને સ્ટાફની નિમણૂક કરવા માટેનું એક ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી બાળકોની વિરુદ્ધ થતાં અનિચ્છનીય બનાવોની સામે તેમને ઝડપથી ન્યાય મળી શકે. આ માટે ગુજરાતમાં વર્ષ 2015 સુધીમાં 33 જિલ્લામાંથી 26 જિલ્લામાં POCSO માટેની કોર્ટની રચના કરવામાં આવી હતી. વધુમાં વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એચ. ડી. સુથારે નામદાર કોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ 69 POCSO કોર્ટ કાર્યરત છે અને ગુજરાત સરકાર વધુ 35 કોર્ટ કાર્યરત કરવા જઇ રહી છે. જેમાં 24 કોર્ટ અને 11 એક્સક્લુઝિવ કોર્ટ કાર્યરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 11 એક્સક્લુઝિવ કોર્ટમાં માત્ર બાળકોના રેપ કેસ સામે ઝડપથી ન્યાય મળે તે વિષયે કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દુષ્કર્મ કેસમાં મહિલા આરોપીઓને સ્પે.પોકસો કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકી
કાયદા હેઠળ બાળકોની આસપાસના લોકોનું પોલીસ વેરિફિકેશન જરૂરી
બાળકો સામે થતાં યૌનશોષણના કિસ્સાઓમાં સૌથી મોટી વાસ્તવિકતા એ સામે આવે છે કે તેમની આસપાસના લોકોમાંથી જ કોઈ એક ગુનેહગાર હોય છે. બાળકો જ્યાં શિક્ષણ મેળવવા જાય અથવા તો અન્ય કોઈ કોચિંગ લેવા જાય તેવા સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન અનિવાર્ય છે.
આંકડાઓ ઉપર એક નજર નાખીયે
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો પાસેથી મળતી માહિતી મુજબ માર્ચ 2020થી સપ્ટેમ્બર 2020 સુધીમાં એટલે કે માત્ર 6 મહિનામાં નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર બાળકોના રેપ, ગેંગરેપ અને પોર્નોગ્રાફીના 13,244 કેસ નોંધાયા હતા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ મુજબ માર્ચ 2020થી ઓગસ્ટ 2020 સુધીમાં 420 કેસ ચાઈલ્ડ એબ્યુઝના નોંધાયા હતા. જયારે ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન મુજબ માર્ચ 2020થી સપ્ટેમ્બર 2020 સુધીમાં 3,941 કોલ્સ ચાઈલ્ડ એબ્યુઝ માટેના હતા. આમ સરવૈયું કાઢતા તારણ આવે છે કે પ્રત્યેક દિવસે 98 અપરાધો બાળકોની સામે થતાં અપરાધોના કેસ નોંધાયા છે. અહીં સંભાવના છે કે ઘણા કેસ વણનોંધાયેલા પણ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ દેશમાં પોક્સો હેઠળ કિશોરો સામે 1492 કેસો નોંધાયા
શું છે સજાની જોગવાઈ ?
POCSO એક્ટ અંતર્ગત નવા અમેન્ડમેન્ટ મુજબ કાયદામાં ફાંસી સુધીની સજાની પણ જોગવાઈ છે. વધુમાં પોલીસે માત્ર 2 મહિનામાં ચાર્જશીટ દાખલ કરવી પણ અનિવાર્ય છે. જેથી ન્યાયમાં વિલંબ ન થાય.