અમદાવાદ: તાજનો સાક્ષી બનેલા આરોપીની અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સૌથી પહેલા ધરપકડ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, વર્ષ 2008માં અમદાવાદમાં 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઘવાયા હતા. આ કેસમાં સૌ પ્રથમ રેગ્યુલર જામીન મેળવનાર આરોપીને જ મળ્યા છે. આ કેસમાં સહ-આરોપી નાવેદ કાદરી સિઝોફ્રેનિયા નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હોવાથી તેના વચગાળાના જામીન કોર્ટ દ્વારા અગાઉ મંજૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આટલા વર્ષોમાં આ કેસમાં કુલ 80 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મૂળ આરોપી ઘટનાનો સાક્ષી બની જતાં હાઇકોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી વર્ષ 2008થી જ જેલમાં હતો. હાલ આ કેસની તપાસ અંતિમ સ્ટેજ પર પહોંચી છે જ્યાં કેટલાક આરોપીઓની જુબાની લેવામાં આવી છે ત્યારે સાક્ષી બનેલા આરોપીની પણ જુબાની લેવામાં આવી શકે છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે આરોપીમાંથી સાક્ષી બનેલા અરજદારની ધરપકડ વર્ષ 2008 ઓગસ્ટમાં કરવામાં આવી હતી. આરોપી પર બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલી સાયકલ ખરીદવાની ભૂમિકામાં સામેલ હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાપુનગરમાં સાઇકલમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
માર્ચ 2019માં આરોપીએ કેટલાક માફીનામા લખ્યા જેમાં તેણે ગુનાની કબૂલાત કરી છે. અમદાવાદની સ્પેશિયલ કોર્ટે આરોપીની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને તેને આરોપીમાંથી સરકારના સાક્ષી બનવાની ઈચ્છા માન્ય રાખી હતી. કોર્ટે સુરક્ષા કારણસર આરોપીની જાણકારી ગુપ્ત રાખવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે આ કેસના અન્ય આરોપીઓ દ્વારા અરજદાર-આરોપીના કબૂલનામાને કેસના ખૂબ જ મોડા સ્ટેજમાં સ્વીકારવાની અરજી કરી હતી જે હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.