- અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગના આરોપી ઝડપાયા
- ક્રુષ્ણનગર અને નિકોલમાં બન્યો હતો લૂંટ વિથ ફાયરિંગનો બનાવ
- અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીને ઝડપી પાડ્યા
અમદાવાદઃ અમદાવાદના નિકોલ અને ઠક્કરબાપાનગરમાં થયેલી ફાયરિંગ લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ૮ આરોપીઓએ ભેગા મળી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ૩ આરોપીને યુપીથી ખાસ લૂંટ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા જે આરોપી હાલ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને અમદાવાદ અને બે આરોપીઓને મુંબઈથી દબોચી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં લૂંટ કરી પોલીસને દોડતી કરનાર ગેંગના પાંચ લોકોની ધરપકડ કરી છે.
રાજવીરસિંહ ગૌર, સતેન્દ્રસિંહ ગૌર, સુકેન્દ્રસિંહ નારવારીયા, દિપક પરિહાર અજય મરાઠા એમ પાંચની ધરપકડ કરવામાં આવી છે. ફરાર આરોપીઓ બુદ્ધેસિંહ પરિહાર, સુધીર ઉર્ફે ફોજી અને લખન નામના આરોપીની તપાસ હાલ ચાલી રહી છે. આરોપી રાજવીર અને સતેન્દ્ર બન્ને ભાઈઓ છે અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહે છે. આરોપીઓ રાજવીર મંડપ ડેકોરેશનનું કામ કરતા હતા, જેમાં નુકસાન થતાં દેવું થયું હતું. આ ઉપરાંત આરોપી સુકેન્દ્ર સિંહ જુગાર રમતો હતો અને તેને પણ દેવું થઈ ગયું હતું, જેથી રાજવીર અને સુકેન્દ્ર છેલ્લા ચાર-પાંચ મહિનાથી લૂંટ જેવા પ્લાન તૈયાર કરી રહ્યા હતા.
અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીને દબોચી લીધા લૂંટ માટે આરોપીએ બહારથી પણ કેટલાક આરોપીઓને બોલાવ્યા હતાઅમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે જણાવેલી વિગત પ્રમાણે સતેન્દ્ર સિંહે આ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પોતાના બનેવી બુદ્ધેસિંહને ઇટવાથી બોલાવ્યા હતા અને તેના બનેવીએ લૂંટના ગુનામાં સંડોવાયેલા સુધીર ઉર્ફે ફોજી અને લખનને લઈને આવ્યો હતો. આ લોકોએ પહેલા કૃષ્ણનગરમાં લૂંટ માટે એક બાઇકની ચોરી કરી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ રકમ પુરી ન હોવાથી બીજી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પહેલા જે દુકાનમાં લૂંટ થઈ તે દુકાનમાંથી જ રાજવીર પરિચિત હતો. ત્યારબાદ બીજી બાઈક ચોરી કરી તમામ આરોપીઓ એકબીજા સાથે મળી સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ગુજરાત છોડીને પોતાના વતન ચાલ્યા ગયા હતા. લૂંટમાં મળેલ રોકડ અમદાવાદના આરોપીઓએ રાખી અને સોનાના દાગીના ઇટાવાથી આવેલા આરોપીઓ લઈ જતા રહ્યાં હતાં.
મુખ્ય આરોપી પોલીસથી ફરારબીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે પગેરુ દબાવીને 5 શખ્સોને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ કેટરિંગનો ધંધો અને કેટલાક રીક્ષા ચલાવે છે. આરોપીઓ જુગાર રમવાથી ટેવાયેલા છે અને ધંધામાં નુકસાન જતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં યુપીથી તો કેટલાક મુંબઈથી અમદાવાદ આવ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછમાં ખૂલ્યું હતું કે સવારે બાઇકની ચોરી કરી ગાયત્રી સ્ટોરમાં લૂંટ કરી પણ રૂપિયા ઓછા મળતાં બીજા દિવસે બીજો લૂંટનો પ્લાન બનાવ્યો હતો. બીજા દિવસે પણ બાઈક ચોરી કરી નિકોલમાં જવેલર્સને લૂંટી ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા 3 આરોપીઓ યુપી અને 2 મુંબઈ ભાગી ગયા હતાં. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રોકડ 2.90 લાખ અને સોનાના દાગીના કબજે કર્યા છે. જેમાં સુધીર ફોજી મુખ્ય આરોપી છે તે હાલમાં ફરાર છે. ઝડપાયેલા આરોપીઓ પર અગાઉ લૂંટ અને હત્યાનો ગુનો પણ દાખલ થયેલો છે. જોકે હાલ ત્રણ આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે સુધીર સામે અનેક ગુના દાખલ થયા છે જેમાં તે વોન્ટેડ પણ છે.