- ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ સી.આર.પાટીલની 12 મી રજત તુલા
- અગાઉ પુસ્તક તુલા, માસ્ક તુલા, સેનિટાઈઝર તુલા થઈ છે
- આ રજત તુલાનું દાન વિવિધ સામાજિક કલ્યાણ કરતા સંગઠનોને અપાશે
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રજત તુલાનો કાર્યક્રમ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન બોડકદેવ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજની રજત તુલાને અંધજન મંડળમાં ભેંટ સ્વરૂપે આપવામાં આવશે. સેવાકીય પ્રવૃત્તિની બાબત આપણે જૈન સમાજ પાસેથી શીખવી પડે.
આ પ્રસંગે આણંદજી ક્લાયણજી પેઢીના સંવેગ શાહે અમદાવાદના ઇતિહાસની મહત્વની ઘટના વાગોળી
આજના આ પ્રસંગે આનંદજી કલ્યાણજી પેઢીના સંવેગભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 160 વર્ષ જૂના સિવિલ હોસ્પિટલમાં હરકુંવર શેઠાણીએ તે સમયે 1.5 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IIM, NID, ATIRA ની સ્થાપના જૈન શ્રેષ્ઠી વિક્રમ સારાભાઈ અને કસ્તુરભાઈના હસ્તે થયેલું છે.
મચ્છુ હોનારત સમયે નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું
આ સમયે કલ્પેશ જૈને જણાવ્યું હતું કે, મચ્છુ ડેમ હોનારતના સમયે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સાથે સતત 22 દિવસ સુધી લોકોની સેવા કરવાનો અવસર તેમને સાંપડ્યો હતો. જોકે સી.આર.પાટીલ આ પ્રસંગે મચ્છુ ડેમ હોનારતનો સમય ભૂલ્યા હતા.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 182 બેઠક મેળવશે
સી.આર.પાટીલે આ પ્રસંગે આવનારી ચૂંટણીમાં ફરી 182 વિધાનસભાની સીટ જીતવા હુંકાર કર્યો હતો. આ પ્રસંગે સી.આર.પાટીલે મજાકમાં કહ્યું હતું કે, સુરતમાં હર્ષ સંઘવી કશું કરે કે ના કરે તે 1.5 લાખ મતોથી જીતી જાય છે. જોકે સી.આર.પાટીલ જૈન નેતાઓની યાદીમાં મુખ્યપ્રધાનનું નામ ભૂલતા ત્યાં ઉપસ્થિત જૈનોએ તેમને યાદ દેવડાવ્યું હતું કે, આપણા મુખ્યપ્રધાન જૈન છે. સી.આર.પાટીલે બનસકાંઠા અને સાબરકાંઠામાં રેઇન વોટર હારવેસ્ટિંગ કરવા સૂચન કર્યું હતું.
વડાપ્રધાનના જન્મદિને અનોખી ભેટ
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિને ગુજરાતમાં 71 જરૂરિયાતમંદ બાળકોની ઓપનહાર્ટ સર્જરી ફ્રીમાં થશે. અહીં સી.આર.પાટીલે અજીબ ટિપ્પણી કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભુવા છે. જે વિકાસના કાર્યોનું નારિયેળ સૌ તરફ નાખે છે. ઉપરાંત ઓક્ટોબર માસમાં વડાપ્રધાનના મુખ્યપ્રધાનથી વર્તમાન સફર સુધીના 20 વર્ષ થશે, જેની ઉજવણી થશે.