- અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા બીજી તરફ કોરોનાનું ટેસ્ટિંગ ઘટ્યું
- કેટલાક ડોમમાં કોરોના ટેસ્ટિંગની 40 તો ક્યાંક 50 જ કિટ બચી છે
- ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારમાં ETV Bharatનું રિયાલિટી ચેક
- કેટલાક ડોમમાં તો સવારે 11 વાગ્યા સુધીમાં કોરોના ટેસ્ટિંગની કિટ પૂરી થઈ જાય છે
અમદાવાદઃ એક તરફ સરકાર કહી રહી છે કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે સાથે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા પણ વધી રહી છે, પરંતુ આનાથી વિપરીત ચિત્ર જોવા મળી રહ્યું છે અમદાવાદમાં. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો નોંધાયો છે.
ETV Bharatની ટીમે રિયાલિટી ચેક કરતા આ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગાવેલા ડોમમાં સવારે 11 વાગ્યે તો કોરોના ટેસ્ટિંગની કિટ પૂર્ણ થઈ જાય છે. એટલે ટેસ્ટિંગ કરવા આવતી ટીમે 1થી દોઢ કલાક સુધી બેઠા રહેવું પડે છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં ખુલ્લી જગ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસની માગ
ટેસ્ટિંગની સંખ્યામાં વધારાનો દાવો પોકળ
એક તરફ શહેરમાં પૂર્વ અમદાવાદ કરતા પશ્ચિમ અમદાવાદની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. મહાનગરપાલિકાની પ્રેસનોટમાં પણ જ્યાં પશ્ચિમ અમદાવાદમાં વધુ વિસ્તારોને માઈક્રો કનટેઈન્મેન્ટ કરવામાં આવી રહ્યા છે. તેવા વિસ્તારોમાં ટેસ્ટિંગ કિટ જ પૂરતા પ્રમાણમાં ન મોકલામાં આવતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. એક તરફ ડોમ આગળ તાત્કાલિક ટેસ્ટિંગ કરાવો અને તરત પરિણામો મેળવોના બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગની કિટ ન મોકલવાતા ટેસ્ટિંગ કરાવવા આવનારા લોકોને ધક્કો ખાવો પડી રહ્યો છે.
મેમનગર વિસ્તારમાં માત્ર 45 લોકોનું ટેસ્ટિંગ
મેમનગર ગામ પાસે આવેલા ડોમમાં શનિવારે માત્ર 50 કિટ જ ટેસ્ટિંગ માટે આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 45 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના 5 કીટ ડમી કિટ તરીકે રાખવામાં આવી હતી. માત્ર 45 કિટ જ હોવાને કારણે સવારે 11 વાગ્યે પહેલા જ કિટ પૂરી થઈ જતા ટેસ્ટિંગ કરાવવા આવેલા લોકોને ધરમ ધક્કો પડ્યો હતો. આ ઉપરાંત 9.30 વાગ્યે ઓન ડ્યૂટીએ આાવેલા મેડિકલ સ્ટાફે પણ કિટ વગર બેસી રહેવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા બોર્ડર પર વાહનોની કતાર
વાડજમાં પહેલા આવનારા 50 લોકોનું જ ટેસ્ટિંગ કરાયું
વાડજ કિટલી સર્કલ પાસે આવેલા ડોમમાં છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગ માટે માત્ર 50 કિટ જ ફાળવવામાં આવે છે. ETV Bharatની ટીમે અહીં જુદા જુદા દિવસે બે વખત રિયાલિટી ચેક કરતા જણાઈ આવે છે કે, દર વખતે અહીં માત્ર 50 કિટ જ ટેસ્ટિંગ કિટ આપવામાં આવી રહી છે. તેથી ડોમમાં સ્ટાફ આવે તેના કલાક પહેલા જ લોકો ડોમ આગળ આવી લાઈનમાં ઉભા રહે છે. અહીં માત્ર 50 કિટ જ આવતી હોવાને કારણે પ્રથમ આવનારા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે બાકીનાઓને ફરી પાછા ઘરે મોકલી દેવામાં આવે છે.
ભૂયંગદેવ સર્કલ પાસેના ડોમમાં પણ 50 કિટ ઉપલબ્ધ
ભૂયંગદેવ પાસેના ડોમમાં પણ માત્ર 50 કિટ આપવામાં આવી હતી. અહીં ટેસ્ટિંગ કરીને સ્ટાફ ફ્રી થઇ ગયો હતો. આમ જ્યાં અગાઉ બપોર સુધી ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યાં હવે માત્ર ગણતરીના કલાકોમાં જ કામગીરી પુર્ણ કરી દેવામાં આવી રહી છે. ETV Bharatની તપાસમાં મોટા ભાગના સ્થળોએ માત્ર 50 કિટ જ આપવામાં આવી રહી છે. તપાસ દરમિયાન માત્ર ઘાટલોડિયાના ડોમમાં જ આડે 90 કિટ ટેસ્ટિંગ માટે આપવામાં આવી હતી. આમ જે ડોમ આગળ અગાઉ લાઇનો લાગતી હતી ત્યા હવે ટેસ્ટિંગ કિટ ન આવતા લાઇનો લાગતી બંધ થઈ ગઈ છે.
અમારા ઝોનમાં ટેસ્ટિંગ કિટ ઓછી જ આવે છે - DyMO
નવા પશ્ચિમ અમદાવાદમાં ટેસ્ટિંગની આવી પરિસ્થિતિ જોતા અમે ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મેડિકલ હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યને આ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેસ્ટિંગ કિટ આગળથી જ ઓછી આવી રહી છે. જેટલી કીટ આપવામાં આવે છે તેને ઝોનના 20 ડોમ અને 7 અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.