અમદાવાદ: પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી પ્રીતિ ઝાએ જણાવ્યું કે આ કોરોના વાઈરસના સંકટ સમયે ભારતીય રેલ્વે ચોવીસ કલાક જરૂરી સેવાઓ પુરી પાડીને ઉત્તમ કામગીરી કરી રહી છે. ત્યારે આ સંસ્થાની જવાબદારી વધુ પ્રમાણમાં વધે છે. આવા સમયે અમે રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને નૈતિક સમર્થન આપી રહ્યા છીએ. આ કોરોના સંકટ સમયે સંગઠન તરફથી રૂ 50 હજારની આર્થિક સહાય આપવામાં આવી છે. જેમાં રૂ 15 હજાર રૂપિયાના કોટન માસ્ક તથા રૂ. 35 હજાર રૂપિયા સંગઠન દ્વારા આરપીએફ, ગાંધીધામ વિસ્તાર અને ડીઆરએમ બેનેવલટં ફંડમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવા માટે પ્રદાન કરવામાં આવ્યા.
શ્રીમતી ઝાના જણાવ્યા મુજબ, તેમની સંસ્થા મણિનગર અને સાબરમતીમાં સિલાઈ સેન્ટર, મ્યુઝિક સ્કૂલ, ડ્રોઇંગ અને પેટિંગ ક્લાસ અને આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરી રહી છે. સિલાઇ કેન્દ્રો દ્વારા આવા સમયે માસ્ક તૈયાર કરવાની જવાબદારી લીધી તથા 5000 કોટન માસ્ક રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યા, જેમાં સિલાઈ કેન્દ્રોના ઇન્ચાર્જ શ્રીમતી પ્રીતિ શર્મા અને શ્રીમતી વીણા ગુપ્તાએ સમર્પણ અને સખત મહેનત સાથે કામ કર્યું હતું. આ માસ્ક ડિવિઝન રેલ્વે હોસ્પિટલમાં સૅનેટાઈઝડ કર્યા પછી, 1000 માસ્કનું વિતરણ મહિલા કલ્યાણ સંસ્થા દ્વારા રેલ્વે કર્મચારીઓ અને પરિવારના સભ્યોને કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સંગઠન દ્વારા બનાવેલા કોટન માસ્ક જે સાફ કરી ફરીથી વાપરી શકાય છે. સંસ્થા દ્વારા અમદાવાદ વિભાગના કર્મચારીઓને 5000 માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝા એ આ સંકટ સમયે ફેસ માસ્ક પૂરા પાડવા બદલ મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ નો આભાર માન્યો.