અમદાવાદઃ જિલ્લામાં 8 પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તે તમામની હાલત સુધારા પર છે અને તેમના લક્ષણો પણ ખૂબ જ ઓછા જોવા મળ્યા છે. તેમજ 60 જેટલા પોલીસકર્મીઓ અને તેમના પરિવારને કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.
પોલીસ દ્વારા જિલ્લામાં અસરકારક રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનના 24 દિવસ દરમિયાન પોલીસે 4900 ગુના દાખલ કરી 11,400 લોકોની અટકાયત કરી હતી. તેમજ ડ્રોનથી પણ પોલીસ લોકો પર નજર રાખી રહી છે. 14 વિસ્તાર ક્લસ્ટર કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે, જ્યાં સ્થાનિક પોલીસ ઉપરાંત SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સીનિયર સિટીઝનની પણ સી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.
શહેરના 7 પોલીસ સ્ટેશનની અંદર આવતા વિસ્તારમાં કર્ફ્યુ લગાવવમાં આવ્યું છે. જ્યાં 1 DGP, 2 JCP, 4 DCP, 8 ACP, 14 PI અને 2158 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત પેરામિલેટ્રી ફોર્સ પણ ઉતારવામાં આવી છે. કર્ફ્યુ વિસ્તારમાં બપોરે 3 કલાક સુધી મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે છૂટ આપવામાં આવી છે, પરંતુ જો મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખે તો આપેલ છૂટ પાછી લેવામાં આવશે.
પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ, શહેરમાં ફરજ બજાવતા 8 જેટલા પોલોસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે તમામની હાલત સારી છે અને 60 જેટલા પોલીસકર્મીઓ અને તેમના પરિવારને કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. પોલીસ લાઇન અને પોલીસ સ્ટેશનને સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે. કર્ફ્યુ અને કેસ વધારે હોય તેવા વિસ્તારમાં પોલીસકર્મીઓને પેપીસુટ પણ આપવામાં આવ્યો છે.