- કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટે ગુજરાતમાં દસ્તક દીધાં
- 5 જેટલા દર્દીઓના સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ હોવાની પુષ્ટી
- હિંમતનગર અને દાહોદના દર્દીઓના સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ
અમદાવાદ: તહેવારો બાદ ફરી એક વખત રાજ્યમાં કોરોના (coronavirus in gujarat)નો ફૂંફાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે કોરોનાના કેસો (corona cases) વધતા ફરી એક વખત તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા, જેથી હવે કોરોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે બહારથી આવતા લોકો પર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.
કોરોનાના દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો
કોરોનાના તમામ કેસ ગુજરાતમાં ખતરા સમાન સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોરોનાના જોવા મળેલા જુદા જુદા વેરિયન્ટમાં કપ્પા (kappa variant) અને ડેલ્ટા વેરિયન્ટ (delta variant)ના દર્દીઓ પણ રાજ્યમાં જોવા મળ્યા છે. ગુજરાતની હૉસ્પિટલમાં હાલમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે તેવામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓની પણ સારવાર કરાઈ રહી છે.
હિંમતનગર અને દાહોદના દર્દીઓના સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ મળ્યા
ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના દર્દી મળવા અંગે બી.જે મેડિકલ કૉલેજના માઇક્રો બાયોલોજી વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટે ગુજરાતમાં દસ્તક આપી દીધી છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મોકલાયેલા સેમ્પલમાંથી 5 જેટલા દર્દીઓના સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ હોવાની પુષ્ટી થઇ હતી. હિંમતનગર અને દાહોદના દર્દીઓના મોકલાયેલા સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો છે. ઑક્ટોબર મહિનામાં પૂના ખાતે મોકલવામાં આવેલા સેમ્પલના પરિણામની અત્યારે રાહ જોવાઇ રહી છે. તો બીજી તરફ હાલ બંને દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
ડેલ્ટા અને કપ્પા વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી
બી.જે. મેડિકલના હેડ ડૉક્ટર કનુભાઈ પટેલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "છેલ્લે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં અમારી લેબોરેટરી દ્વારા કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના લેવામાં આવેલા સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે પુણે લેબોરેટરીમાં મોકલાયા આવ્યા હતા, જેના રિઝલ્ટમાં ડેલ્ટા અને કપ્પા વાયરસની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી હતી. ત્યારબાદ પોઝિટિવ દર્દીઓના આંકડામાં ઘટાડો થયો હતો."
આગામી 15 દિવસ ધ્યાન રાખવું જરૂરી
તેમણે જણાવ્યું કે, "હાલ અમારી માઇક્રોબાયોલોજી લેબોરેટરી દ્વારા ઑક્ટોબર મહિનાના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. હાલ 15 દિવસ ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. લોકો બહારગામ ગયા હતા જેના કારણે રોગ ફેલાય તેવી શકયતા સંપૂર્ણ રહેલી છે, જેથી તમામ લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે. હાલ બી.જે. મેડિકલમાં રાજ્યના 1200થી વધુ સેમ્પલ આવી રહ્યા છે. જેમાંથી જે પોઝિટિવ સેમ્પલ મળતા હોય તે સેમ્પલ પુણે મોકલવામાં આવી રહ્યા છે."
આ પણ વાંચો: શું ફરીથી કોરોનાનો કહેર? અમદાવાદમાં કોરોનાને કારણે 2 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
આ પણ વાંચો: ગુજરાત NCC દ્વારા લોકોને મતદાનના હક વિશે માહિતી આપવા કાર્યક્રમનું આયોજન કરાયું