પંચમહાલ: ચીનમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ભારતમાંથી ચીન તબીબી અભ્યાસ કરવા ગયેલા કેટલાંક વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના પણ 200થી વધુ વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જે પૈકી કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈન સિટીમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા ભારત સરકાર દ્વારા વિશેષ વિમાન ચીન મોકલવામાં આવશે.
જોકે, ચીનના જ્યુજયાન શહેરમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને મહેસાણા જિલ્લાના 10 વિદ્યાર્થીઓ સરકારી મદદની રાહ જોયા વિના સ્વખર્ચે ભારત પરત ફર્યા છે. જ્યુજયાન સિટીમાં જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ રહેતા હતા, તેમની સાથે અભ્યાસ કરતા ચીનના સ્થાનિક વિદ્યાર્થીઓ પૈકી 4નો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા ભારતીય વિદ્યાર્થીઓમાં પણ દહેશત વ્યાપી હતી.
ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે માત્ર એક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. આ સિવાય તેમનું કોઈપણ પ્રકારનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું નહોતું અને તબીબી પરિક્ષણ વગર જ તેમને જવા દેવામાં આવ્યા હોવાનું આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે.