અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના તાબા હેઠળ આવેલી રાજ્યની એકમાત્ર કોલેજ કે જેમાં ઉર્દુ વિષયના શિક્ષકોને તાલીમ અપાતી હતી, તેને ટીચર્સ યુનિવર્સિટીમાં જોડી દેવાયા બાદ ઉર્દુ વિષય રદ કરી નાખતા ભારે વિવાદ સર્જાયો છે.
અમદાવાદ- જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી માંગ કરી છે કે યુનિવર્સિટી દ્વારા જો આવું જાણપૂર્વક કરવામાં આવ્યું છે તો તે ખૂબ જ દુઃખદ ઘટના છે. નોંધનીય છે કે વૈધ એમ એમ પટેલ એકમાત્ર કોલેજ હતી કે જે ઉર્દુ વિષયના શિક્ષકોને બી.એડની પદવી એનાયત કરતી હતી. ધારાસભ્યએ આ પ્રકારના કૃત્યોને ઉર્દુ ભાષાને ખતમ કરવાનો એક ષડયંત્ર ગણાવ્યો હતો.
ખેડાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના નિર્ણય દ્વારા કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને તાત્કાલિક દૂર કરી લોકોના હિતમાં રાજ્યની વિજય રૂપાણી સરકાર નિર્ણય કરે તેવી પત્રમાં માગ કરી છે.