- છૂટાછેડાના દાવાઓમાં ઉત્તરોત્તર વધારો
- વર્ષ 2019માં અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની 10 હજાર અરજીઓ આવી હતી
- મોટા ભાગે 40 વર્ષની અંદરના જ લોકો વધુ છૂટાછેડા લઈ રહ્યા છે
અમદાવાદઃ વર્ષ 2019-20 માં યુનાઇટેડ નેશનના એક રિપોર્ટ( પ્રોગ્રેસ ઓફ ધી વલ્ડ'સ વિમેન 2019-20 :ફેમિલીઝ ઇન અ ચેન્જઇંગ વલ્ડ) માં પણ જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે દાયકાઓમાં ભારતમાં લગ્ન ન કરનારાઓની સરખામણીએ છૂટાછેડા લેનારાઓની સંખ્યામાં બમણો વધારો થયો છે.
યુવા જનરેશનમાં છૂટાછેડાના કિસ્સાઓ વધુ
અમદાવાદ ફેમિલી કોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખ આઈ. એમ. ખોખરનું કહેવું છે કે, મોટા ભાગે 40 વર્ષની અંદરના જ લોકો વધુ છૂટાછેડા લઈ રહ્યા છે. ગત વર્ષે કરવામાં આવેલા દાવાઓમાંથી માત્ર 2 થી 3 હજાર લોકો જ મોટી ઉંમરના હતા.
યુવાઓમાં છૂટાછેડા પાછળના કારણો શુ?
અમદાવાદ ફેમિલી કોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખ આઈ. એમ. ખોખરે કહ્યું કે, મેરેજ પહેલા એકબીજાથી ઓછા પરિચિત, પર્સનલ પ્રયોરિટીને કારણે લગ્ન થઈ ગયા બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા ન ફાવવું છૂટાછેડાનું એક મોટું કારણ છે. વળી સ્વતંત્ર જીવનની ચાહના પણ છૂટાછેડા પાછળનું એક મોટું કારણ છે.
નોટરીથી પણ થઈ રહ્યા છે ડાઈવોર્સ
હિન્દૂ મેરેજ એકટ 1955ની કલમ 13(1) b મુજબ જો બંને પક્ષ છૂટાછેડા લેવા માંગતા હોય તો તેઓ નોટરીથી સ્ટેમ્પ ઉપર છૂટાછેડા લે છે. આઈ એમ ખોખરનું કહેવું છે કે, જેઓ ઝડપથી અને ઓછા ખર્ચે છૂટાછેડા લેવા માંગતા હોય તેઓ નોટરીથી છૂટાછેડા મેળવી લે છે, જેનો આંકડો કોર્ટમાં નોંધાયેલા દાવાઓ કરતા વધુ છે.
વર્ષ 2020માં શુ સ્થિતી રહી?
વર્ષ 2020માં કોરોના પહેલા બે મહિના ચાલુ રહેલી કોર્ટમાં ડાઇવોર્સના 400 દાવાઓ અમદાવાદની ફેમિલી કોર્ટમાં માંડવામાં આવ્યાં હતા. વર્ચ્યુઅલ કોર્ટ શરૂ થતાં સુનાવણી શરૂ તો કરાઈ પરંતુ તેમાં પણ મોટાભાગે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1)b ના આપસી સહમતીથી લેવાનારા છૂટાછેડાની જ સુનવણી મોટાભાગે થઈ છે. જોકે, વર્ષના અંત સુધીમાં કેટલા કેસ નોંધાયા તે જાણી શકાયું નથી. કોઈ પણ યુગલનું દામ્પત્ય જીવન ન બગડે અને છૂટાછેડાની ગંભીરતાને લઈ સુપ્રીમ કોર્ટે પણ યુગલને ફરી વિચાર કરવા 6 મહિનાનો સેપ્રેશન પિરિયડ આપે છે. જેથી છૂટાછેડાને ટાળી શકાય. ભારતનો ઇતિહાસ આર્યવત અને દ્રવીડોની ગૌરવ ગાથાઓથી છલોછલ છે, જેની અસર આજે પણ ભારતના સયુંકત કુટુંબની જીવનશૈલી ઉપર દેખાય છે. પરંતુ બદલાતા સમયની સાથોસાથ પરિવારવાદનું સ્વરૂપ પણ બદલાયું છે. જેનું એક મોટું કારણ છે યુવા વર્ગમાં વધતા જતા છૂટાછેડાના કેસ.