અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું કે ગુજરાતની જનતા જાણે છે કે.24 ફેબ્રુઆરીએ યોજાયેલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને અને કોરોનાને કશું જ, ક્યાંય લાગતુંવળગતું નથી. પરંતુ ગુજરાત કોંગ્રેસને કેન્દ્રની કોંગ્રેસની વારંવાર સૂચનાને કારણે બોલવું પડે છે. દિલ્હીમાં થયેલ તબલીગી જમાતના કાર્યક્રમ અને પછી જે તે સમયે કોરોના ફેલાયો તે ક્યાંથી ફેલાયો ? કેવી રીતે ફેલાયો ? અને ક્યાં કયાં ફેલાયો ? તેનાં આંકડાઓ સાથે સમગ્ર મીડિયા જગતે બતાવ્યું એટલે મીડિયા અને ભાજપને કાઉન્ટર કરવા માટે તુષ્ટિકરણનું રાજકારણ રમવા માટે કોંગ્રેસે ભાજપ ઉપર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંગે વારંવાર જૂઠ્ઠો, બેબૂનિયાદ આક્ષેપ કરી રહી છે. તે ગુજરાતની જનતા સારી રીતે સમજી ચુકી છે.
ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ પહેલેથી જ કહેતું આવ્યું છે કે, કોંગ્રેસના વિચારો, કાર્યક્રમો, નિવેદનો એ જનહિત અને દેશહિત વિરૂદ્ધના હોય છે. કોંગ્રેસે જીલ્લાવાર હોસ્પિટલની મુલાકાત લઈને વિવાદ-વિરોધ કરવાનો કાર્યક્રમ એ માત્ર સેવામાં નડતર ઊભું કરવાનો કાર્યક્રમ છે. જેઓ પોતાના જાન જોખમમાં મુકીને દર્દીઓની સેવા કરે છે. તેવાં કોરોના વોરિયર્સ અને દર્દીઓને હેરાનપરેશાન કરવા, તેમને ડીસ્ટર્બ કરવાની વાત એ કોંગ્રેસનું માનવતાભર્યું પગલું નથી. કોંગ્રેસે આવા કાર્યક્રમો ન આપવા જોઈએ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં મંત્રીઓ અને સમગ્ર સરકારીતંત્ર સેવાના મંત્ર સાથે કામે લાગ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં એકબીજા પર આક્ષેપ કરવાનો આ સમય નથી. આ સંવેદના બતાવવાનો અને સેવા કરવાનો સમય છે.
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ અંતમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું :
કોંગ્રેસે “કોરોના”માં “જૂઠ મત બોલોના”, “વિવાદ મત કરોના”, મહેરબાની કરીને “સેવા કરોના” અને સેવા ન કરવી હોય તો “નડોના’’ પ્લીઝ.