- ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો
- ચાવડા અને ધાનાણીએ આપ્યું રાજીનામુ
- હાઇકમાન્ડ નક્કી કરશે રાજીનામુ સ્વીકારવું કે નહીં
અમદાવાદ : પેટા ચૂંટણી માટે બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતા કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની યુવા નેતાગીરીથી ભારોભાર નારાજ જોવા મળી રહી છે. જોકે, પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતા હારની જવાબદારી સ્વીકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ફરી એક વખત ગુજરાતની રાજનિતિમાં ગરમાવો આવ્યો છે. પ્રભારી રાજીવ સાતવ બન્ને નેતાઓના રાજીનામા પત્ર લઇ દિલ્હી દોડી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી ન હતી. કંઈક આ જ પ્રમાણે પેટા ચૂંટણીમાં પણ 8 બેઠકો પર કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અચાનક અવસાન થતાં આખો મામલો ઠંડો પડ્યો હતો
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની તૈયારી દર્શાવી હતી. જે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અચાનક અવસાન થતાં આખો મામલો ઠંડો પડ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી ગયા છે. જે દરમિયાન પ્રભારી રાજીવ છેલ્લા દસેક દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને પ્રદેશ કોંગ્રેસની સમિતિ સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરી રહ્યા છે. જે બાદ અંતિમ દિવસે પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીવ સાતવ સમક્ષ રાજીનામા પ્રસ્તાવ રજૂ કરી આ પત્ર દિલ્હી હાઇકમાન્ડને આપવા જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસને મળશે નવો ચહેરો?
આ અંગે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, પેટા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદ મેં હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી. પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. હવે પાર્ટીનું હાઈકમાન્ડ જે નિર્ણય લે તે માન્ય રહેશે. રાજીનામુ આપતા વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને અશ્વિન કોટવાલનું નામ મોખરે છે. જ્યારે અમિત ચાવડાની જગ્યાએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરનું નામ ચર્ચાઇ રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની 26 બેઠકોમાંથી એક પણ બેઠક પર જીત મેળવી શકી ન હતી. જ્યારે 2020ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આમ રાજ્યમાં પાર્ટીનું સતત નિરાશાજનક પ્રદર્શન જોતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા આપવાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજસ્થાન અને છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની મુલાકાતે હતા અને તેમને પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયને લઈને રિપોર્ટ તૈયાર કરી હાઇકમાન્ડને સોંપ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ આપી શકે છે રાજીનામુ
ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના વખતમાં જ કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી વખતે 8 કોંગ્રેસી ધારાસભ્ય પક્ષ છોડી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા અને પરેશ ધાણાની નિષ્ફળ રહ્યા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જ્યારે રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતા. હવે જ્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાજીનામુ આપ્યું છે, ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા સેવાઇ રહી છે. હાઇકમાન્ડ સમક્ષ સાતવ પણ આ વાતની રજૂઆત કરે તેવી શક્યતાઓ છે.