- કોંગ્રેસ દ્વારા ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરાયો
- ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યો
- કોંગ્રેસે સત્તા મેળવવા કર્યા વાયદા
અમદાવાદ: ભાજપ, કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પક્ષ ચૂંટણીમાં મત મેળવવા માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરે છે. જે અંતર્ગત મતદારોને આકર્ષવા કેટલાય વાયદાઓ કરે છે. ત્યારે સૌથી મહત્વનું રહે છે કે, ચૂંટણી જીત્યા પછી તે પક્ષની સરકાર કેટલા વાયદા પૂર્ણ કરે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા ભાજપનાં મુખ્ય પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખરેખર શપથપત્ર નહીં, પરંતુ માફીપત્ર બહાર પાડવું જોઈએ.
કોંગ્રેસનાં મેનિફેસ્ટો પર ભાજપની પ્રતિક્રિયા
કોંગ્રેસનાં મેનિફેસ્ટો પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખરેખર શપથપત્ર નહીં, પરંતુ 'માફીપત્ર' બહાર પાડવું જોઈએ. કોંગ્રેસે 'ઘરનું ઘર' આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. દરેક વ્યક્તિના ખાતામાં 72 હજાર જમા કરાવવાના ખોટા વાયદાઓ કર્યા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લોકોને ન તો નોકરીઓ મળી રહી છે, ન તો સરકાર ખેડૂતોના દેવા માફ કરી શકતી. કોંગ્રેસ ગુજરાતનાં લોકોને સપના દેખાડી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વચનો આપ્યા હતા, તે સાકાર કરી બતાવ્યા છે. જેમ કે, રામમંદિર નિર્માણ, ત્રિપલ તલાક નાબૂદી, કલમ 370ની નાબૂદી હોય તેને કરી બતાવ્યું છે. ખેડૂતોનાં ખાતાઓમાં સીધા જ 1.15 લાખ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.
મહાનગરોની જનતા 'ચોક્કો' મારશે : યમલ વ્યાસ
પાછલા વર્ષોમાં જોઈએ તો એક વાત સ્પષ્ટ ઉભરીને આવી છે કે, શહેરી વિસ્તારમાં લોકો ભાજપને વોટ આપી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે. યમલ વ્યાસે જણાવ્યું હતું કે, 2005થી 2015ની ત્રણ ચૂંટણીઓમાં મહાનગરપાલિકાના મતદારોએ સતત ત્રણ વખત ભાજપને જીતાડ્યું છે. ત્યારે 2021ની ચૂંટણીઓમાં પણ ભાજપને જીતાડીને મતદારો 'ચોક્કો' મારશે. કારણ કે, ભાજપે મહાનગરપાલિકાઓમાં નવી ટીપી સ્કીમો મંજૂર કરી છે, અનેક બ્રિજ બનાવ્યા છે, પીવાના પાણીની સમસ્યાઓ હલ કરી છે, મોટી હોસ્પિટલો બનાવી છે. આ ઉપરાંત સ્વસ્થ રહેવાના અને મનોરંજનના સ્થળોનું પણ નિર્માણ કર્યું છે.