- રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
- 3 મહિના કોરોનાની ચાલી રહી હતી સારવાર
- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ વ્યક્ત કર્યો શોક
અમદાવાદ : ઓગસ્ટમાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. જે બાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 મહિના કોરોના સામે લડ્યા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ તેમના નિધનને આઘાતજનક ગણાવ્યું છે.
કોણ હતા અભય ભારદ્વાજ?
અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતા પક્ષના પ્રધાન બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
જનસંઘના નેતા સ્વ. ચીમન શુક્લના ભાણેજ હતા અભય ભારદ્વાજ
આપને જણાવી દઇએ કે, અભય ભારદ્વાજ રાજકોટના વતની હતા તથા જનસંઘના નેતા સ્વ. ચીમન શુક્લના ભાણેજ હતા. તેમને રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અભય ભારદ્વાજ છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય હતા. આ સાથે જ તેમને રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો જન્મ
અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ, 1954નાં રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. તેમને નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતા હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેમને ખાસ શિષ્યવૃતિ પણ એનાયત કરી હતી.
18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડિટર બન્યા હતા
અભય ભારદ્વાજ મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતા. માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડિટર બન્યા હતા.
23 વર્ષની ઉંમરે શહેર જિલ્લાના પ્રધાન બન્યા
અભય ભારદ્વાજનો પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં જન્મ થયો હતો. અભય ભારદ્વાજ 1977થી જનતા પાર્ટીમાં સક્રિય રીતે પ્રવેશ્યા હતા. 23 વર્ષની વયે રાજકોટ શહેર જિલ્લા જનતાપક્ષના પ્રધાન બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.
અનેક કેસ લડી ચૂક્યા છે અભય ભારદ્વા
અભય ભારદ્વાજ 2002ના રમખાણોના ગુલબર્ગ સોસાયટી કેસમાં આરોપીઓના વકીલ હતા. જુલાઇ 2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિમ્યા હતા. નિવૃત IAS પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો તેના પણ તેમને વકીલ હતા.