બનાસકાંઠા : ધાનેરા તાલુકાના ખીમત ઉમેદપુરા ગામમાં ભત્રીજા પર કાકાની હત્યાનો આરોપ થયો છે. અહીં નજીવી બાબતમાં બોલાચાલી બાદ અદાવત રાખી ભત્રીજાએ ઉશ્કેરાઈને કાકાના માથામાં ધોકા વડે માર મારતા તેમનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મૃતક ડાહ્યાભાઈ પુરોહિતનું મોત થતા પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા હંમેશા માટે ગુમાવી દીધી છે.
બોલાચાલી હત્યામાં ફેરવાઈ : આ અંગે નોંધાયેલ ફરિયાદ અનુસાર ધાનેરા તાલુકાના ખીંમત ઉમેદપુરા ગામે સેઢા પરનું વૃક્ષ કાપવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. ઉગ્ર બોલાચાલી બાદ ભત્રીજાએ અદાવત રાખી ઉશ્કેરાઈને કાકાના માથામાં ધોકાથી માર માર્યો હતો. જેથી ગંભીર ઈજાઓ થતા કાકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભત્રીજા પર કાકાની હત્યાનો આરોપ : મળતી વિગતો મુજબ ધાનેરામાં ખીંમત ગામે કુટુંબી ભત્રીજા દિનેશ પુરોહિત સાથે કાકા ડાહ્યાભાઈ પુરોહિતને 15 દિવસ પહેલા સેઢા પરના ઝાડ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી ડાહ્યાભાઈ પુરોહિત ખેતરમાં જતા દિનેશ પુરોહિતે હાથમાં રાખેલો લીમડાનો ધોકો માથાના ભાગે અને સાથળના ભાગે માર્યો હતો. જે બાદ ધમકી આપી નાસી છૂટ્યો હતો.
આરોપીની ધરપકડ કરી તપાસ શરુ : ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડાહ્યાભાઈ પુરોહિતને તાત્કાલિક જ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું. જોકે, પાંથાવાડા પોલીસે દિનેશ પુરોહિત સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી દીધી છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ પાંથાવાડા પોલીસે હાથ ધરી છે.