અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ભારતની 43000 કિ.મી જમીન ચીનને સોંપી દેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ અત્યારે ભાજપ સામે હાસ્યાસ્પદ અને જૂઠ્ઠા આક્ષેપો કરે છે. વધુમાં કહ્યું કે ચીનની એમ્બેસી તરફથી લાખો રૂપિયાનું ડોનેશન કોંગ્રેસના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળ્યું છે. જે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદન સામે કોંગ્રેસ જવાબ આપે.
ભરત પંડ્યાએ જણાવ્યું કે, દેશની એકતા-અખંડિતતા, સરહદની સુરક્ષા કે આતંકવાદ સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિ, સંકલ્પ અને એકશનએ દેશના ઈતિહાસમાં સૌથી વધુ મજબૂત છે. જે વિશ્વ અને દેશની જનતાને પ્રતિતી થઈ ચુકી છે. દુશ્મન દેશમાં જઈને સર્જીકલ સ્ટ્રાઈક કે એર સ્ટ્રાઈક કરવાની હોય કે કાશ્મીરમાં 370/35-A કલમ હટાવવાની વાત હોય. વધુમાં કહ્યું કોંગ્રેસના શાસનમાં ભારત વિરોધી આગ ઓકનારા અને પાકિસ્તાન જીંદાબાદ બોલનારા હુરિયતના અને અન્ય કાશ્મીરના નેતાઓની સિક્યુરીટી પાછળ દર વર્ષે રૂપિયા 112 કરોડનો ખર્ચ થતો હતો, ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકારે તમામની સિક્યુરીટી પાછી ખેંચી લીધી અને કેટલાંકને જેલમાં પૂરી આતંકવાદ સામે કડક હાથે કામ લીધું છે.
ચીનની માનસિકતા વિસ્તારવાદી છે, તો આ સરકાર પ્રખર રાષ્ટ્રવાદી છે. કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે ચીનની તરફેણમાં પ્રતિભાવ આપીને ભારતીય સૈનિકોના મનોબળને હતાશા આપવાનો પ્રયાસ બંધ કરે તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.