ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના રમતવીરોને ઉચ્ચ કક્ષાની તાલીમ મળે તે માટે ગુજરાત સરકારે સ્થાપેલી સંસ્થાઓ અને પહેલો વિશે માહિતી આપી હતી. ફિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતુ કે, ફિટનેસ માત્ર શબ્દ ન બની રહેતાં તે જીવનનો એક ભાગ બનવો જોઇએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ઈન ફીટ ઇન્ડિયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી કિરેન રિજિજુએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન કર્યું હતું અને ગુજરાત ખેલ મહાકુંભ 2019નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતાં.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળવી જ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કિરેન રિજિજુ આ દિશામાં પ્રત્નશીલ છે. તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ગુજરાત પછાત છે, તે કલંકને ગુજરાતે દૂર કરી બતાવ્યું છે.
ઉદ્ઘાટન બાદ 'નવા ભારતના નિર્માણમાં ફિટનેસનું યોગદાન' વિષય પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું હતું. જેમાં બોક્સર એમ. સી. મેરીકોમ, ચેસ ગ્રાંન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, બેડમિન્ટન નેશનલ ચીફ કોચ પુલ્લેલા ગોપીચંદ, પેરા ઓલિમ્પિયન દીપા મલીક, શુટિંગ ચેમ્પિયન ગગન નારંગ અને રાયફલ શૂટર કુ. એલાવેનીલ વલારીવને સંસ્કારધામના વિદ્યાર્થીઓ સાથે પોતાની ફિટનેસના અનુભવો વહેંચ્યા હતાં.