અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોને ભારે મુશ્કેલી જનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અતિશય વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોના પાક નષ્ટ થયા છે, ત્યારે સરકારે તેનો સર્વે કરી ખેડૂતોને ત્વરિત સહાય આપવી જોઈએ તે અંગે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, આગાહી આપવામાં આવી હોવા છતાં આગોતરા પગલાં લેવામાં આવ્યા ન હતા. અતિવૃષ્ટિ હોવાથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે, જેથી નુકસાન થયું છે, પરંતુ તેમ છંતા હજુ સુધી સરકાર દ્વારા ખેડૂતોને કોઇ રાહત કે કોઇ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આવતીકાલને બુધવારથી જ અમારા નેતાઓ ખેડૂતને મળવા જશે, ત્યા જાત નિરીક્ષણ કરી સરકારને જગાડશે. સરકાર ડ્રોનથી સર્વે કરી રહી છે, પરંતુ ડ્રોનથી નહીં સ્થળ પર સરકારના પ્રતિનિધિઓને મોકલવા જોઈએ. તલાટી, સરપંચ સહિત ભાજપના કાર્યકર્તાઓએ જમીન પર જઈ ખેડૂતોનું જાત નિરીક્ષણ કરવું જોઈશે અને ત્યારબાદ કઈ રીતે તેમને વળતર મળે તે અંગે સમીક્ષા કરવી જોઈએ. પરંતુ આ સરકાર બહેરી અને મૂંગી સરકાર છે, જેના માટે થઈ આવતીકાલથી જ અમારા કાર્યકર્તાઓ તમામ ગામે-ગામે જશે જ્યા ખેડૂતોને મળશે અને ખેડૂતોને થયેલા નુકશાન અંગેનો એક આખો પ્રાથમિક સર્વે તૈયાર કરશે અને ત્યારબાદ સરકારને જગાડવાનું કામ પણ કોંગ્રેસ પક્ષ કરશે.
જો કે, મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોના પાકનું નુકસાન પણ થયું છે ત્યારે સરકાર ત્વરિત જાગીને ખેડૂતોને યોગ્ય વળતર કેવી રીતે મળી શકે તે અંગે સમીક્ષા કરે તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે.