- એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીન કાયદા હેઠળ ખેતીની જમીનોને પરવાનગી
- ગાહેડ-ક્રેડાઇ આયોજીત 15માં પ્રોપર્ટી શોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
- એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને વધુ પ્રોત્સાહન અને મદદ માટે જાહેરાત પણ કરી
અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાહેડ-ક્રેડાઇ આયોજીત 15માં પ્રોપર્ટી શોનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યુ હતું. કોરોના કાળમાં દેશભરમાં આવો પ્રથમ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો ક્રેડાઇ દ્વારા તા.17થી 25 ઓકટોબર દરમિયાન યોજાઇ રહ્યો છે. ‘ઘરે બેઠા ઘર મેળવો’ના ઉદેશ્ય સાથેના આ પ્રોપર્ટી શોમાં લોકો પોતાના અનુકૂળ સમયે ઓનલાઇનથી સહભાગી થઇ શકે તેવા આ અભિનવ પ્રયોગને બિરદાવાયો હતો.
‘ન ઝૂકના હૈ, ન રૂકના હૈ’ના મંત્ર સાથે વિકાસની આગેકૂચ
મુખ્યપ્રધાને કોરોનાની આપત્તિને અવસરમાં પલટવાની ખૂમારી ગુજરાતે દાખવીને ન ઝૂકના હૈ, ન રૂકના હૈના મંત્ર સાથે વિકાસની આગેકૂચ જારી રાખી છે. તેની ભૂમિકા આપી હતી. તેમણે આ સંદર્ભમાં ક્રેડાઇ-ગાહેડ દ્વારા પણ પોતાની પ્રોપર્ટી શો યોજવાની પરંપરાને યથાવત રાખવા માટે અભિનંદન આપ્યા હતા. પારદર્શીતા અને ઇમાનદારીથી ઝડપી નિર્ણયો કરવા સાથે GDCRના નિયમો સહિતની આંટીઘૂંટીઓ દૂર કરી આ સરકારે મોકળાશ કરી આપી છે.
એફોર્ડેબલ હાઉસીંગ સેકટર દ્વારા ગુજરાત લીડ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં દરેક વ્યકિતને ઘરનું ઘર આપવાની જે ખેવના રાખી છે.એફોર્ડેબલ હાઉસીંગ સેકટર દ્વારા ગુજરાત લીડ લેશે તેવી નેમ વ્યકત કરી હતી. વિજય રૂપાણીએ આવા એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને વધુ પ્રોત્સાહન અને મદદ મળે તે માટે કેટલીક જાહેરાત પણ કરી હતી. એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન 80 ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચો.મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી સરકાર આપશે
આના પરિણામે હવે લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળશે. મુખ્યપ્રધાને એવી પણ જાહેરાત કરી કે, એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવાસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા 63 AAA હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી સરકાર આપશે.
FSI સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવાશે
મુખ્યપ્રધાને બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ FSI બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ FSI વાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ છે. બાંધકામ ઉદ્યોગની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવી આ FSI સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુખ્યપ્રધાને આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે એમ ઉમેર્યુ હતું. નોન ટી.પી એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ જણાવ્યું હતું.