પાલડી મેયરનાં નિવાસ સ્થાનના ધાબા પરથી વિજય રૂપાણીએ પતંગ ચગાવ્યો હતો. પરંતુ પતંગ ઊંચો ચગે એ પહેલા જ કોઈએ તેમનો પતંગ કાપી નાખ્યો હતો. જેવો CMનો પતંગ કપાયો કે, સામેથી બુમ આવી કે, એ લપેટ..... અડધી પીચ પર રમનારા CMનો પતંગ ચગે એ પહેલાં કપાઈ જતા, ત્યાં હાજર બધા ખડખડાટ હસી પડ્યાં હતાં. જો કે, આ ઘટનાને CM રૂપાણીએ પણ સહજતાથી લીધી હતી, અને તેઓ પણ હસી પડ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પોળમાં CM ઉત્તરાયણની ઉજવણી થતી હોય છે. પહેલીવાર પોળની બહાર ઉત્તરાયણની ઉજવાણી કરવામાં આવી હતી.
વિજય રૂપાણીએ ચગાવેલો પતંગ હવામાં વેગ પકડે તે પહેલા જ કપાઈ ગયો હતો, પણ CMએ ફરી બીજો પતંગ ચગાવ્યો અને જનતાને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સાથે તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, અમે કાપવામાં નહીં પણ ઉડાડવામાં માનીએ છીએ. પતંગ એટલે કાર્યકર્તા અને ઉમેદવાર છે. દોરી એટલે સંગઠન છે. સારી પતંગ, સારો દોરો મળીને આ વર્ષે ઊંચી પતંગ ઉડાવી રહ્યાં છીએ. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિજયી થશે. એવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ અમદાવાદના મેયર બિજલ પટેલે પણ જનતાને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી.