અમદાવાદઃ કોરોના વાઈરસને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે લોકોને ઘરમાં જ પૂરાઈ રહેવાનો વારો આવ્યો છે. ત્યારે કેટલાક લોકો ઘર માં રહીને વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે. આ દરમિયાન શહેરના કલાકાર ચૌલા દોશી લોકડાઉન દરમિયાન પોતાના ઘરમાં રહી કોરોના વાઈરસની મહામારીને લઈને સર્જાયેલ પરિસ્થિતિના 25 થી વધુ વિવિધ ચિત્રો તૈયાર કર્યા છે. લોકોને પણ ચિત્રો થકી કોરોના વાઈરસથી સાવચેત રહેવા અપીલ કરી છે.
સમગ્ર દેશમાં લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે મનુષ્ય માસ્ક પહેરીને ફરતો થયો છે. વાતાવરણમાં બદલાવ આવ્યો છે. પ્રાણીઓ સ્વતંત્ર થયા અને માનવી બંધાઈ ગયા છે. લોકડાઉનમાં જે વસ્તુઓ પોપ્યુલર થઈ ગઈ તેને પેઈન્ટિંગમાં મુકાઈ છે. આ કપરા સમયમાં જ્યારે માણસ ઘરમાં બેસીને નકારાત્મક વિચાર કરે છે ત્યારે ચૌલા દોશીએ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સની થીમ પર વિવિધ ચિત્રો દોર્યા છે.
આ ક્વોરનટાઈન અવધિમાં ચૌલાને લાગે છે કે તે બંને માધ્યમ એટલે કે લેખન અને ચિત્રોમાં પોતાની લાગણી વ્યક્ત કરવામાં વધુ સર્જનાત્મક અને શક્તિશાળી રહી છે. ચૌલાને રંગોથી રમવાનું પસંદ છે. તે મુખ્યત્વે કળાના એબસ્ટ્રેક્ટ અને સેમી એબસ્ટ્રેક્ટ ફોર્મમાં પ્રેક્ટિસ કરે છે. તે વિવિધ માધ્યમો જેવા કે ચારકોલ, કલર ઈન્ક, એક્રેલિક રંગો, ઓઈલ કલર વગેરે સાથે પ્રયોગો કરવાનું પસંદ કરે છે. તેને લાગે છે કે આ કવોરન્ટાઈન અવધિએ તેને શબ્દો અને રંગો દ્વારા કાગળ અને કેનવાસ પરની તેની બધી લાગણીઓને બહાર કાઢવાની જગ્યા આપી છે. તેણી અનુભવે છે કે જો આપણે વસ્તુઓને સકારાત્મકતાથી લઈએ તો જીવન હંમેશાં રંગીન રહે છે.