અમદાવાદઃ ાબાંધકામ શ્રમિકોનો પરિવહન ખર્ચ ઘટાડવાના હેતુથી ગુજરાત ઈમારત અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડે એક યોજના શરૂ કરી છે, જે અંતર્ગત તેઓ શહેરમાં આંતરિક પરિવહન માટે અત્યંત રાહત દરે બસ પાસ ખરીદી શકશે.શ્રમિક મનપસંદ પાસ યોજના હેઠળ બાંધકામ ક્ષેત્રના શ્રમિકોએ માસિક, ત્રિમાસિક પાસ ખરીદવા માટે માત્ર 20 ટકા જ કિંમત ચૂકવવાની રહેશે જ્યારે બાકીની 80 ટકા રકમનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે.
બાંધકામ શ્રમિકો માટે રાહત દરે બસ પ્રવાસ યોજના, માત્ર 20 ટકા જ કિંમત ચૂકવવાની રહેશે આ અંગે માહિતી આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના કલ્યાણ માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. અમે તેમના કલ્યાણ માટે શિક્ષણ, આરોગ્ય સહિત અનેક પ્રકારની યોજનાઓ માટેના ભંડોળમાં વધારો કર્યો છે. રાહત દરના પાસની મદદથી બસમાં તેઓ શહેરમાં કોઈ પણ સ્થળે ફરી શકશે જેનાથી તેમના પરિવહન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. શ્રમિક મનપસંદ પાસ જારી કરવાની કામગીરી સારંગપુર, મણિનગર, વાડજ, નરોડા તથા વાડજ બસ ટર્મિનસ પરથી મંગળવારથી શરૂ કરાઈ છે. શ્રમ અને રોજગારપ્રધાન દિલીપસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે રાહત દરના પાસની યોજના સૌપ્રથમ અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે, જેને ટૂંકમાં સુરત, વડોદરા તથા રાજકોટમાં પણ શરૂ કરી દેવાશે.શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે રાહત દરના પાસની સુવિધાથી બાંધકામ ક્ષેત્રના શ્રમિકો તેમના નિવાસથી તેમના કામના સ્થળે, કડિયાનાકાઓ પર તથા અન્ય સ્થળોએ અત્યંત નજીવી કિંમતે પહોંચી શકશે. માસિક અને ત્રિમાસિક પાસની કિંમતમાં સબસિડી અપાઈ છે. શ્રમિકોએ પાસની માત્ર 20 ટકા જ કિંમત ચૂકવવાની રહેતી હોઈ તેમને અત્યંત નજીવી કિંમતમાં પાસ ઉપલબ્ધ બની રહેશે. મહત્તમ શ્રમિકો પાસની આ યોજનાનો લાભ લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને જણાવાયું છે.શ્રમિક મનપસંદ પાસના ફોર્મ્સ www.ahmedabadcity.gov.in અને www.amts.co.in પરથી ડાઉનલોડ કરી શકાશે.