- 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વર્ષ 2021-22નું બજેટ
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ જાહેર કરશે
- પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની લોકોની આશા
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે સતત સામાન્ય પરિવારના બજેટ ઉપર અસર પડી રહી છે. હવે જયારે બજેટની જાહેરાત થવાની છે ત્યારે દરેક વ્યક્તિ સરકાર તરફ આશાઓ લગાવી રહ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય. બજેટ જાહેર થવાના એક દિવસ પહેલા પેટ્રોલનો લીટર દીઠ ભાવ 83.66રૂપિયા અને ડીઝલનો ભાવ 82. 41રૂપિયા લીટર છે. જે જાન્યુઆરી 2020માં પેટ્રોલનો ભાવ 70.69 અને ડીઝલનો ભાવ 65 રૂપિયાથી પણ ઓછો હતો.
શા માટે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ..?
એક તરફ મોંઘવારી, કોરોનો મહામારીની અસર અને એવામાં પડતા ઉપર પાટુ હોય તેમ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવમાં થતો વધારો સામાન્ય વ્યક્તિની કમર તોડનારા પરિબળ સાબિત થઇ રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ માટે જાણવું જરૂરી બને કે શા માટે થઇ રહ્યો છે ભાવ વધારો ?
ભારત જેવા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા સામે બે કારણો છે. પહેલું કારણ એ છે કે, સતત આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેરલ દીઠ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે ત્યારે બીજું કારણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લાગતો ટેક્સ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું સ્થિતિ?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ એક મહિનામાં 47.50 ડૉલરથી વધીને 53.50 ડૉલર સુધી પહોંચ્યો હતો. હાલ તે 52 ડૉલર આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે ક્રૂડના ભાવમાં વધારો થયો છે, પણ તેના કરતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ નોંધપાત્ર કહી શકાય તેવો વધારો થયો છે. જેથી આમ જનતા પર બોજો પડ્યો છે.
સરકાર કઈ રીતે ટેક્સ લગાવે છે ?
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સસાઈઝ ડ્યુટી લગાવે છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન અથવા તો પ્રોડક્શન પર એક્સસાઈઝ ટેક્સ લગાવવામાં આવે છે, જયારે રાજ્ય સરકાર પોતાની રીતે VAT એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ લગાડે છે. (નોંધ:-હજુ પેટ્રોલ અને ડીઝલ ઉપર GST લાગુ નથી કરવામાં આવ્યો) પરંતુ સરકાર અન્ય કોઈ વસ્તુઓ કરતા પેટ્રોલ અને ડીઝલ ઉપર ટેક્સ વધુ પ્રમાણમાં લે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર અપ્રત્યક્ષ કર લગાડે છે જે અન્ય વસ્તુઓ કરતા સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલ પર લગાડવામાં આવે છે. આ ટેક્સથી સરકારની આવક થાય છે અને કોરોના મહામારીને કારણે સરકારની તિજોરીમાં જે ઘટ થઇ છે તેને પણ સરભર કરી શકાય.
જોકે અહીં એક સૌથી મોટી વાસ્તવિકતા એ પણ છે કે, પેટ્રોલ અને ડીઝલ સિવાય ક્યાંય આટલા મોટા પ્રમાણમાં સરકારને આવક પ્રાપ્ત થાય એવો સ્ત્રોત નથી. તેથી પણ સરકાર ટેક્સ ઓછો નથી કરતી.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર મોંઘવારી પર
આમ જનતા એવું ઈચ્છી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલ પરના સરકારી ટેક્સ ઓછા કરીને રાહત આપવી જોઈએ. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને સતત ઉંચી સપાટી પર છે, તેમ છતાં વિરોધ પક્ષ વિરોધ કરતો નથી. જેથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટમાં આશા છે કે, પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની સીધી અસર મોંઘવારી પર પડશે. આગામી દિવસોમાં જાહેર થનાર ફુગાવાનો દર પણ વધીને આવશે. આર્થિક સમતુલા ખોરવાઈ જશે, તેમજ ક્રૂડ ઓઈલ ભારત આયાત કરે છે, જેથી ફિસ્કલ ડેફિસીટ પણ વધીને આવશે.