- આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાને દેશમાં ઉજવાઈ રહ્યો છે 'અમૃત મહોત્સવ' કાર્યક્રમ
- BSF દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 'ડેરડેવિલ' શો નું આયોજન
- જાબાઝ અને સીમા ભવાની ટીમ દ્વારા કારતબોનું પ્રદર્શન
અમદાવાદ- આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા ડેરડેવિલ્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીએસએફના જાબાઝ જવાનોએ દિલધડક બાઈક સ્ટંટનું પ્રદર્શન કર્યું હતું.
મહિલા અને પુરુષ ફોર્સ દ્વારા સ્ટંટ પ્રદર્શન
આ જવાનો જાબાઝ અને સીમા ભવાની નામની બે ટીમમાં હતા. બન્ને ટીમ લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે તેમજ બન્ને ટીમોએ દિલ્હીમાં 26 જાન્યુઆરીએ રાજપથ પર પોતાના કરતબોનું પ્રદર્શન કરેલું છે. જેની સરાહના અમેરિકન પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી છે.
સાબરમતી નદીના કાંઠેથી જ મહાત્મા ગાંધીએ આઝાદીની લડત શરૂ કરી હતી- પ્રદિપસિંહ જાડેજા
આ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સાબરમતી નદીના કાંઠેથી જ મહાત્મા ગાંધીએ આઝાદીની લડત શરૂ કરી હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીથી લોકોમાં દેશ ચાહતની ભાવના વધુ વિકસી રહી છે. બોર્ડર સિક્યુરીટી ફોર્સ દેશની સુરક્ષાની જવાબદારી બખૂબી નિભાવી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર જીવની પરવા કર્યા વગર તેઓ દેશની રક્ષા કરી રહ્યા છે.
દેશની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે સર્જીકલ સ્ટ્રાઇક પણ કરી
ગ્રુહ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારે દેશની સુરક્ષા માટે જરૂર પડે સર્જીકલ સ્ટ્રાઈક પણ કરી છે. વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાંથી ભારતીયોને સુરક્ષિત પાછા લાવવાનું કાર્ય કરાઈ રહ્યુ છે. તાલિબાન અને આતંકવાદીઓથી કાશ્મીરથી લઇને ગુજરાત સુધી બીએસએફ દેશની રક્ષા કરે છે.
અમદાવાદીઓ ડેરડેવિલ્સ શો નિહાળવા રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ નિહાળવા અનેક નાગરિકો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યા હતા. તેઓ અમદાવાદમાં આવો પ્રથમ શો નિહાળીને અભિભૂત થયા હતા. આ બન્ને ટીમોનું ગૃહરાજ્ય પ્રધાનના હસ્તે સન્માન કરાયું હતું.