શહેરમાં BRTS દ્વારા સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના મોત થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. NSUIએ આ બાબતે BRTS બંધ રાખવાનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત આજે NSUIના કેટલાક કાર્યકરો ગુજરાત યુનિવર્સીટી પાસે એકઠા થયા હતા અને રસ્તા પરથી જઈ રહેલી BRTS બસને રોકી તેની પર ચડી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા વિરોધ કરી રહેલા તમામ લોકોની અટકાયત કરીને બસ ચાલુ કરાવી હતી.
પોલીસે વહેલી સવારથી શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા BRTSના તમામા રૂટ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ પણ બસને નુકસાન કરવામાં આવ્યું નથી. પોલીસે જનતાને આ મામલે શાંતિ જાળવવાની અપીલ કરી હતી, સાથે જ લોકોને ટ્રાફિકના નિયમો ચુસ્તપણે પાલન કરવાની પણ સલાહ આપી હતી.