અમદાવાદ: અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વાહકજન્ય રોગચાળો અટકાવવા સાર્વત્રિક પગલા લેવામાં આવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત મેલેરીયા શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં આ રોગચાળો અટકાવવાના ભાગરૂપે વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવે છે. આરોગ્ય શાખા અને મેલેરીયા શાખાના 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અમદાવાદ જિલ્લાના 464 ગામોમાં 3 લાખ 32 હજાર 936 ઘર સહિત 9 લાખ 32 હજાર 220 શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી 4 હજાર 854 સ્થળો પર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં 77 કન્સ્ટ્રક્શન સાઇટ, 637 ફેક્ટરીઓ, 143 ઇંટોના ભઠ્ઠા તથા 40 જેટલા ભંગાર-ટાયરવાળાને ત્યાં મચ્છરનું બ્રીડિંગ મળતા મેલેરીયા શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઈ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવી રહી છે. તમામ સરકારી અને બિનવપરાશી મકાનોમાં મચ્છરનો ઉત્પન્ન થાય નહીં તે જોવા અને GIDCમાં મજૂરી કરતા લોકોની વસાહત, લેબર મુવમેન્ટ પર ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.
જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું છે કે, ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ. પાણીની ટાંકી, ફૂલદાની, કૂલર, ફ્રિઝની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરવા તથા ઘરની આસપાસ પાણી ભરાવા નહીં દેવા પણ તાકીદ કરવામાં આવી છે. પાણીના ખાડા ખાબોચીયા પુરી દેવા અથવા તો વહેવડાવી દેવા અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.