- આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતની મુલાકાતે
- મનીષ સીસોદીયાએ અમદાવાદમાં બે તબક્કામાં રોડ શો યોજ્યો
- એક કિ.મી.લાબો રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે અને તમામ પક્ષો મહદ અંશે પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ વિતી ગયો છે અને તમામ પક્ષોમાં ટિકિટને લઇને નારાજગી અને ભડકો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદીયા અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. પ્રચાર માટે બે ચરણમાં યોજવામાં આવેલા રોડ શો સફળ રહ્યા હતા.
રોડ શોમાં 200થી વધુ બાઈકો, સેંકડો રિક્ષાઓ સાથે સમર્થકો જોડાયા
અમદાવાદમાં મનીષ સિસોદીયાના રોડ શો બે ચરણમાં યોજવામાં આવ્યા હતા. જેમાં પૂર્વના વિસ્તારોથી લઇને પશ્ચિમ વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા. મનીષ સીસોદીયા સાથે ઉમેદવારોએ પણ રોડ શોમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. તેમના રોડ શોમાં 200 જેટલા બાઇક બને મોટી સંખ્યામાં ઓટો રીક્ષા લઈને લોકો જોડાયા હતાં. રેલીમાં કોરોનાના નિયમોને નેવે મૂકીને કાર્યકતાઓએ પ્રચાર કર્યો હતો. જોકે 1 કિ.મી લાંબી રેલીના કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો કાફલો પણ રેલીમાં જોવા મળ્યો હતો.
ભાજપની 25 વર્ષની સરકારમાં કોઈ સમસ્યાનો નિકાલ આવ્યો નથી: મનીષ સિસોદીયા
ત્યારે ઇ.ટી.વી સાથેની વાતમાં મનિષ સિસોદીયાએ જણાવ્યું કે, લોકોને પાયાની જરૂરિયાતો મળે તે માટે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. કારણ કે રાજ્યમાં ભાજપની 25 વર્ષની સત્તામાં સમસ્યાઓનો નિકાલ ક્યારેય નથી આવ્યો. અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તામાં આવીશું તો. શાળાઓ, મહોલ્લા ક્લિનિક અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવીશું. ત્યારે અમદાવાદના રોડ શો દરમ્યાન ટ્રાફિકની સમસ્યા અને કોવિડ ગાઇનલાઇનનો ભંગ થતો નજરે પડ્યો હતો. ત્યારે કોઇ પણ સામાન્ય વ્યક્તિ પાસે દંડ વસુલવામાં આવે છે તો આ રાજકારણીઓ પર કેમ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક સવાલ છે.
એકઠી થયેલી ભીડને જોઈને ભાજપ-કોંગ્રેસની ઉંઘ હરામ થશે?
આ રોડ શોમાં ઘણી મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળ્યા હતા. ત્યારે આ રોડ શોની ભીડ જોઇને ભાજપ અને કોંગ્રેસની ઉંઘ હરામ થઇ શકે તેમ લાગી રહ્યું છે. ત્યારે પ્રથમ ચરણનો રોડ શો નાગરવેલ હનુમાન મંદિરથી શરૂ કરી બાપુનગર સ્ટેડિયમ ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. અને બીજા ચરણનો રોડ શો થલતેજ અંજની માતાના મંદિરથી શરૂ કરી ગોતા ખાતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારે બંને રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. જ્યારે હવે આગામી સમયમાં જ માલૂમ પડે કે પ્રજા કોને ચૂંટે છે.