- ગુજરાતમાં 6 મહાનગરોની ચૂંટણીમાં ભાજપ વિજયી
- મહાનગરો રહ્યા ભાજપ સાથે અડીખમ
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પેજ કમિટીનો જાદુ
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 06 મહાનગરપાલિકાઓમાં યોજાઈ ગયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. સામે પક્ષે વિરોધી પાર્ટીઓ ખૂબ જ ઓછી બેઠકોમાં સમેટાઈ ગઈ છે. આ પ્રસંગે ભાજપે વિજય ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ અગ્રણીઓ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ વિજયી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
06 મહાનગરોની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આપની પહેલી પ્રતિક્રિયા શું રહેશે ?
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીતાડવા બદલ મતદારોનો આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યો અને મહેનતનું પરિણામ છે. કદી જોવા ન મળ્યો હોય તેવો ભારતીય જનતા પાર્ટીનો આ વિજય છે. તે બદલ સૌનો આભાર. પ્રજાનો વિશ્વાસ સતત ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેને લઈને હવે ભાજપ વધુ મહેનત કરશે, આયોજન કરશે અને ભાજપ ઉપર દેખાડેલા પ્રજાના વિશ્વાસ બદલ સવાયું કામ પ્રજાને ભાજપની સરકાર આપશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ચૂંટણીઓ જીતવા 'પેજ કમિટી' લાવ્યા હતા. આપ પણ આપના વોર્ડમાં પેજ કમિટીના સભ્ય હતા. કેટલું મહત્વ આ ચૂંટણીમાં પેજ કમિટીનું રહ્યું ?
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મતદારને ખબર પડે છે કે, પેજ કમિટી દ્વારા પેજ પ્રમુખ અને ભાજપના પેજ કમિટીના સભ્યો સતત તેમના સંપર્કમાં રહે છે. ચૂંટણી સમયે પણ તેમનો સંપર્ક ચાલુ રહે છે. મત આપવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ રીતે લોકો ભાજપ સાથે સતત જોડાયેલા રહે છે. જેનો આ ચૂંટણીઓમાં ખૂબ મોટો લાભ થયો છે.
'ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ' અન્ય પાર્ટીઓને જાકારો આપ્યો. તે વિશે આપ શું કહેશો ?
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, છ મહાનગરો ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ રહ્યા છે અન્ય પાર્ટીઓને જાકારો આપ્યો છે. તે બદલ તેઓ મતદારોનો આભાર માને છે.