- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર કરી
- આ સમિતિ ઉમેદવાર પસંદગીને લઈને નિરીક્ષકો પાસેથી સેન્સ મેળવશે
- સમિતિમાં 13 સભ્યોનો સમાવેશ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ભાજપે નવી પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ નવી ચૂંટણી સમિતિની રચના કરી છે. જેમાં દરેક વર્ગના લોકોને સ્થાન મળે તેવો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને સત્તાનું સંતુલન જળવાય તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી તાજેતરની તમામ સમિતિઓમાં જેમ મહિલાઓને સ્થાન અપાયું છે. તેમ આ સમિતિમાં એક મહિલા સભ્યને પસંદગી આપવામાં આવી છે. 2017 બાદ 2021માં આ સમિતિની જાહેરાત કરાઇ છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર..પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના 13 સભ્યોનો સમાવેશ થાય છે.
સાંસદો, ધારાસભ્યો અને પ્રધાનોનો સમાવેશ
આ ઉપરાંત રાજ્ય સરકારના કૃષિ પ્રધાન અને પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હાલ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, કાનજી ઠાકોર, સુરેન્દ્ર પટેલ, સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા, સાંસદ ડૉ.કિરીટ સોલંકી અને સાંસદ રાજેશ ચુડાસમાને સભ્ય બનાવવામાં આવ્યાં છે. આ ટીમમાં કુલ 5 સાંસદનો સમાવેશ કરાયો છે. ઉપરાંત ધારાસભ્ય અને પ્રધાનોનો પણ સમાવેશ કરાયો છે.
જીતુ વાઘણીને પડતા મુકાયા
જોકે, 2017માં પ્રદેશ ચૂંટણી સમિતિનું એનાઉન્સમેન્ટ થયું હતું. તેમાંથી મોટાભાગનાને પડતા મુકાયા છે. જ્ઞાતિવાદી સમીકરણો જોઈએ તો પાટીદારના પાંચ સભ્યો, ઠાકોર સમાજનો એક સભ્ય અને શિડયુલ ટ્રાઇબના સભ્યોનો પણ સમાવેશ કરાયો છે. પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરાઈ છે અને અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શંભુપ્રસાદ ટુંડિયાને પણ પડતા મુકાયા છે.
નિરીક્ષકો આ સમિતિને સેન્સ આપશે
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. જે આગામી દિવસોમાં પાર્લામેન્ટરી બોર્ડને ઉમેદવારોને લઈને સેન્સ આપશે.