- ' ગુડ ગવર્નસ' ઉપર ભાજપ અને કોંગ્રેસના મંતવ્યો
- ભાજપની સરકારે અનેક પ્રજા કલ્યાણની યોજનાઓ બનાવી : ભરત પંડ્યા
- '70 કરોડમાં ધોતી વેચાઈ' તેવું કહેનારા લોકો સુશાસનની વાતો ના કરે: મનીષ દોશી
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે સરકાર જનતાની દરકાર કરતી હોય તે 'સુશાસન' આપતી સરકાર કહી શકાય. ભાજપની સરકાર પ્રજાની દરકાર કરતી સરકાર છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ 1 રૂપિયો ઉપરથી મોકલે છે, ત્યારે પ્રજા પાસે 0.15 પૈસા પહોંચે છે. આ માટે વચેટિયાઓને દૂર કરવા મોદી સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-DBT ની સિસ્ટમ લાવ્યા. 40 કરોડથી વધુ નાગરિકોના જન-ધન ખાતા ખોલાવ્યા. આ જન-ધન ખાતામાં 437 પ્રકારની યોજનાઓના લાભ સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય છે. એક વર્ષમાં ગેસમા જ રૂપિયા 50 હજાર કરોડ લાભાર્થીઓને ખાતામાં સીધા જમા થયા છે.
ભાજપની સરકારે વ્યક્તિના જન્મથી જીવનપર્યંત સહાય કરતી યોજનાઓ આપી છે: ભરત પંડ્યા
ભરત પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપની સરકારે વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી સાથ આપતી યોજનોઓ બનાવી છે. જેમ કે, પ્રસૂતા માતાની નોંધણી થયા બાદ તેને પોષક આહાર અપાય છે. તેના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે. પ્રસૂતિના સમયે 108 દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. તેની વિનામૂલ્યે પ્રસુતિ અને સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે પણ તેને સારો આહાર અને ભાડાના પૈસા ચૂકવવામાં આવે છે. આ કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે.
વર્તમાન સરકારે આરોગ્ય સેવાઓ ઉપર વધુ કાર્ય કર્યું: ભરત પંડ્યા
વીમા ઉપર બોલતા ભરત પંડ્યા જણાવ્યું હતું કે, વડાપ્રધાન આયુષ્યમાન ભારત યોજના લાવ્યા. જેમાં 05 લાખ રૂપિયા સુધીની હોસ્પિટલ સારવારનો ખર્ચ આપવામાં આવે છે. આ યોજનાથી મધ્યમ વર્ગ અને દેશના ગરીબ લોકોને આરોગ્ય સેવાઓને લઇને સૌથી મોટી સમસ્યા હતી, તે ચિંતામાંથી તેઓ મુક્ત થયા છે. દેશના ઇતિહાસમાં સ્વાસ્થ્ય ઉપર કાર્ય કરનાર પહેલી સરકાર છે. હૃદયમાં મુકવાના સ્ટેન્ટ અને ઘૂંટણ સર્જરીની સામગ્રીની કિંમતો ફિક્સ કર્યા બાદ, તેમાં 50 થી 70 ટકાનો ઘટાડો થયો છે.
મહિલા ઉત્કર્ષનાં કાર્ય ભાજપની સરકારે કર્યા: ભરત પંડ્યા
વંચિતોમાં મહિલાઓને પણ ગણવામાં આવતી હોય, ત્યારે મહિલાઓના નામે સંપત્તિ કરાય તો 1 ટકાની રજીસ્ટ્રેશન ફી માફ થાય છે. સરકાર જે ઘર આપે છે, તે મહિલાઓના નામે રજિસ્ટર થાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત આપવામાં આવી છે, જ્યારે સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામત આપવામાં આવી છે.
ખેડૂતો માટે સરકારે યોજનાઓ બનાવી
ખેડૂતો માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ બનાવી છે. નીમ કોટેડ બિયારણ, જમીન બંધારણની વિનામૂલ્યે રાસાયણિક તપાસ, ઉપરાંત ખાતર પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કોંગ્રેસના સમયમાં વડાપ્રધાનને રાજ્યોના મુખ્યપ્રધાનો ખાતર મેળવવા માટે ચિઠ્ઠીઓ લખતા હતા. આજે કોંગ્રેસના શાસનવાળા રાજ્યના મુખ્યપ્રધાનોને પણ વડાપ્રધાન આગળ ખાતરને લઈને ફરિયાદ આવી હોય, તેવું બન્યુ નથી. કોંગ્રેસે 10 વર્ષના શાસનમાં ખેડૂતોના 50,000 કરોડના દેવા માફ કર્યા છે. જ્યારે ભાજપે દર વર્ષે રૂપિયા 75,000 કરોડ જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે. 'ખેડૂત સન્માન નિધિ' અંતર્ગત દર વર્ષે ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવે છે. જેમાં 94 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવેલા છે. 25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 09 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરવામાં આવ્યાં છે. ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે સ્વતંત્રતા મળે માટે નવા કૃષિ કાયદાઓ લવાયા છે.
ભાજપના શાસનમાં ગામડાનો વિકાસ થયો
ગામડાઓના વિકાસ પર બોલતા ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ગામડામાં હવે 24 કલાક લાઈટ ઉપલબ્ધ છે. 1.5 લાખ ગામડાઓને ફાઈબર નેટવર્કથી જોડી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં માર્ચ મહિના સુધીમાં તમામ ગામડાઓમાં ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે. જાહેર સેવાઓને લગતા નાના-મોટા કાર્યો હવે ગ્રામ પંચાયતમાં ઓનલાઇન થાય છે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગો માટે MSME મંત્રાલય ખોલવામાં આવ્યું છે. જે લોકોને ઉધોગ સાહસિક બનાવી રહ્યું છે. પાણીની સમસ્યા માટે પાણી ખાતુ બનાવવામાં આવ્યુ છે. કોરોના કાળમાં સરકાર, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેશનના સભ્યોએ આરોગ્ય ક્ષેત્રે અને જરૂરિયાત મંદોને ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતમાં છેલ્લા 45 વર્ષનો સૌથી ઊંચો બેરોજગારી દર: મનીષ દોશી
સામા પક્ષે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીએ ભાજપ ઉપર 'કુશાસન'નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગામથી લઇને ગાંધીનગર સુધી અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારનુ 'ઇન્સ્ટિટ્યૂઝનલાઈઝેશન' કરવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ' પ્રાઈમ મિનિસ્ટર રિલિફ ફંડ' માંથી ભૂકંપગ્રસ્તો માટે બનાવેલ ભુજની હોસ્પિટલને 'અદાણીને' સોંપી દેવામાં આવી છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી, ત્યારે દર વર્ષે દેશમાં 02 કરોડ રોજગાર સર્જવાની વાત કરી હતી. આજે છ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે કરોડો યુવાઓ બેરોજગાર છે. રોજગારી સર્જવાની વાત તો દૂર તેની જગ્યાએ 04 કરોડ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. છેલ્લા 45 વર્ષનો સૌથી ઊંચો બેરોજગારી દર આજે ભારતમાં જોવા મળી રહ્યો છે.
ભાજપનું અઘોષિત સૂત્ર 'મરે જવાન, મરે કિસાનઃ મનીષ દોશી
કોગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સર્વે પ્રમાણે હંગર ઇન્ડેક્સમાં ભારત પાછળ છે. એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશમાં ભારત પહેલા નંબરે આવે છે. માનવ વિકાસ આંકમાં ભારત બે કર્મ પાછળ ધકેલાઈને 131 માં ક્રમે પહોંચ્યું છે. ગુજરાત HDI માં 09માં ક્રમેથી પાછળ ધકેલાઈ 31માં ક્રમાંકે પહોંચ્યું છે. લોકડાઉનમાં 14 કરોડથી વધુ. શ્રમિકોને પગપાળા પોતાના વતન જવું પડ્યું છે. GST, નોટબંધી, લોકડાઉન જેવા સરકારના વગર વિચારેલા અને ઉતાવળિયા પગલાંઓ દેશમાં અરાજકતા, મંદી, બેરોજગારી અને મોંઘવારીની ભેટ આપી છે. આજે ખેડૂતોએ પોતાના હક્કોને લઈને આંદોલન કરવું પડે છે. એક વખતે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ 'જય જવાન, જય કિસાન' નો નારો આપ્યો હતો. જ્યારે આજે ભાજપનો અઘોષિત નારો 'મરે જવાન, મરે કિસાન' નો છે. આ ઉપરાંત MSP-મિનિમમ સપોર્ટ પ્રાઈઝ અને APMC - એગ્રિકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટીની રચના કોંગ્રેસ કાળમાં જ થઈ હતી. મહિલા ઉત્કર્ષ અને સ્વાસ્થ્ય તેમજ માતા અને શિશુ સ્વાસ્થ્યની યોજનાઓ પણ કોંગ્રેસે બનાવી હતી. 'રાઈટ ટુ એજ્યુકેશન', 'મિડ દે મીલ સ્કીમ', 'રાઈટ ટુ ઈન્ફોર્મેશન' વગેરે કોંગ્રેસ સરકારની દેન છે. ભાજપ કોંગ્રેસની યોજનાઓને પોતાના નામે ચઢાવે છે.