અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વંદે માતરમ રોડની વિશ્વાસ સિટી 3 નામની સોસાયટીમાં સવારે નવરાત્રિ મહોત્સવ અંગેના નવા કોરોના ગાઈડલાઈન્સના પાલન અંગે સરકારના નિર્ણયને સંમતિ આપતાં બેનર્સ લગાડવા આવ્યાં હતાં. સરકાર આદેશ આપે એ પહેલાં જ સોસાયટીના રહીશો અને હોદ્દેદારો દ્વારા કોરોના કાળમાં નવરાત્રિ કેવી રીતે ઉજવવી એ નક્કી કરી દેવામાં આવ્યું હતું. બેનર્સમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 'કોરોનાની મહામારીને લીધે નવરાત્રિની ઉજવણી બંધ છે. સોસાયટીમાં ફક્ત માતાજીની માંડવી મૂકી અને મહારાજના હસ્તે આરતી ઉતારવામાં આવશે.

આરતી પછી રહીશોએ પોતાના ઘરેથી-દૂરથી જ દર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન ગામ-શહેરના શેરી, મહોલ્લા, સોસાયટીના અગ્રણીઓ સરકારની કેટલીક અવઢવમાં મુકી દે એવી અધકચરી જાહેરાતો-નિયમો-નિર્ણયોથી વધારે મૂંઝવણમાં મૂકાઇ જાય છે. કારણ એમાં ક્યાંક રાજકીય લાભાલાભ જોવાતાં હોય છે. ઉત્સવ ઘેલી પ્રજા મતદાન વખતે નારાજ ન થાય એ માટે કડક કાયદામાં ઢીલાશ આવી જાય છે.
જોકે કેટલાક ગામ, શહેરની સોસાયટીના અગ્રણીઓ મહામારી કે આફતોમાં સ્વચ્છતા, સાવધાની અને સલામતીભર્યા પગલાં પહેલેથી જ લઇ લેતાં હોય છે. લાંબા સમયથી ઉત્સવોથી દૂર રહેલ અમદાવાદીઓ નવરાત્રિ ઉજવણીમાં મોકળામને નીકળી પડે તો કોરોના પોઝિટિવ કેસોમાં અનિયંત્રિત બને તેવો વધારો થઇ જવાનો ભય અસ્થાને નથી, પરંતુ પ્રજાજનોમાં ચર્ચા એ પણ છે કે વિધાનસભા ચુંટણીઓમાં નેતાઓની રેલીઓ અને કાર્યક્રમોમાં ગમે તેટલા લોકો ભાગ લે કે કોરોના ગાઈડલાઈન્સનો છડેચોક ભંગ કરે છે તે પણ નિહાળી રહ્યાં છીએ.