અમદાવાદઃ વર્ષોથી રાહ જોવાતા ભગવાન રામના મંદિરનો ભૂમિ પુજન કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5 ઓગસ્ટના રોજ યોજાયો હતો.
આ વાતને લઇને સમગ્ર દેશમાં દિપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ આતશબાજી પણ કરવામાં આવી તો હિન્દુવાદી સંસ્થાઓ જેવી કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેરઠેર કેસરી રંગના ધ્વજ અને તોરણો લગાવીને તેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત રસ્તા પર લાગેલા હિંદુત્વના પ્રતિક એવા આ કેસરી ઝંડાઓનું જાણે ઉત્સવ પૂર્ણ થયા બાદ આજે કોઈ જ મહત્વ નથી. આશ્રમ રોડ પર બજરંગ દળ દ્વારા 5 ઓગસ્ટના રોજ સાંજના સમયે આતશબાજી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેના આગળના દિવસે સમગ્ર રોડ ઉપર કેસરી ઝંડા લગાવવામાં આવ્યા હતા. હિન્દુત્વના પ્રતિક સમા આ ઝંડાની અત્યારે કોઈ જ કિંમત નથી. વરસાદના સમયમાં ઝંડા ઉખડીને ઝીર્ણ થઇ રહ્યાં છે. તો બીજી તરફ પવન દ્વારા આ ધ્વજ નીચે પડીને ગાડીઓના ટાયર નીચે આવ્યા છે. તો લોકોના પગ નીચે પણ આવી રહ્યાં છે. આ ઝંડાઓ છેવટે કચરામાં જશે, ત્યારે શું આ સંસ્થાઓની જવાબદારી નથી કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ ઝંડાઓને ઉતારીને તેની સન્માનનિય રીતે નિકાલ કરવામાં આવે ?
આવી જ પરિસ્થિતિ રાષ્ટ્રધ્વજના મામલામાં 15 ઓગસ્ટે જોવા મળી શકે છે. ત્યારે જે લોકોમાં ધ્વજનું સન્માન જાળવવાની ચાહના ન હોય તે લોકોએ ખોટી રીતે તેનું પ્રદર્શન કરવું જોઈએ નહીં. આમ પણ ભારતીયોની આદત રહી છે કે, તેઓ પબ્લિક પ્રોપર્ટી અને દેશની સુંદર જગ્યાઓ તેમજ રસ્તાઓને બદસુરત બનાવતા રહ્યાં છે.