અમદાવાદ: મંડળ રેલ પ્રબંધક દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનો આ પ્રથમ પ્રયોગ છે. જેના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર ઓટોમેટિક વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીન દ્વારા N95 માસ્ક, 3 પ્લાય માસ્ક તથા સેનિટાઈઝર મેળવી શકાશે. આ સુવિધાથી યાત્રી અને રેલ ઉપભોક્તાને લાભ મળશે. તેમના અનુસાર આ વેન્ડિંગ મશીનમાં ઇ પેમેન્ટ અને કેશ પેમેન્ટ બંને વિકલ્પ ઉપલબ્ધ છે.
આ મશીનમાંથી પીપીઇ કીટ પણ ઉપલબ્ધ રહેશે. જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત તથા બજાર ભાવથી પ્રાપ્ત કરી શકાશે. આ પ્રોજેકટથી રેલ પ્રશાસનને 12000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝન નવી પહેલ માટે જાણીતું છે. લૉકડાઉન દરમિયાન પણ સૌથી વધુ ટ્રેનો અમદાવાદ ડિવિઝન દ્વારા ચાલી છે ત્યારે યાત્રીઓની સુરક્ષાને લઇને પણ તે વધુ સતર્ક બન્યું છે.