શહેરના હાટકેશ્વરના જોગેશ્વરી રોડ પર ગુરૂવારે રાત્રીના સમયે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા કોન્સ્ટેબલ બળદેવસિંહ પઢીયાર અને હોમગાર્ડ જવાન રવી પટેલ બુટલેગર સુનીલ ઉર્ફે મચ્છીને હપ્તા બાબતે મળવા ગયા હતા. હપ્તામાં 5000 રૂપિયા આપવાની બાબતે બોલાચાલી થઇ હતી. જેથી આરોપી સુનીલે કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં હોમગાર્ડ રવી પટેલનું મોત થયું હતું. જયારે કોન્સ્ટેબલ બળદેવસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી કોન્સ્ટેબલને સારવાર અર્થે શહેરના એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપી સુનીલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી પર 10થી વધુ ગુના દાખલ હોવાનો ખુલાસો થયો છે.
મહત્વનું છે કે, એક તરફ અમદાવાદ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ કરીને પોલીસની કામગીરી બિરદાવવામાં આવી રહી છે, તો તેના ગણતરીના જ કલાકોમાં હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા થાય છે.