અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ વર્ષ 2019માં જ્યારે કોરોના જેવી કોઈ મહામારી ન હતી ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનાના સમયગાળામાં કુલ 2408 મોત થયાં હતાં. જ્યારે 2020ના કોરોના કાળના આ ત્રણ મહિનાના સમયગાળામાં સિવિલમાં 1757 મોત નીપજ્યાં છે. નોંધનીય છે કે વર્ષ 2020ના મે મહિનામાં થયેલી કુલ મોતના આંકડા 20મી મે સુધીના છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા મોતના આંકડાની સરખામણી
મહિના વર્ષ 2019-વર્ષ 2020
(કોરોના વગર) (કોવિડ-19)
માર્ચ 854 -725
એપ્રિલ 767- 573
મે 787- 459(20મી મે સુધી)
કુલ 2408- 1757
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં થતાં મોત માટે પ્રાથમિક વેન્ટિલેટર ધમણ-1ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે ત્યારે તેના પર રાજકરણ પણ થઈ રહ્યું છે. 26મી મેના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા અને તેમની પાર્ટીના ધારાસભ્યો સિવિલ કોવિડના ઓએસડી ડૉ. એમ.એમ પ્રભાકરની એપોઈમેન્ટ લીધી હોવા છતાં તેમની સાથે મુલાકાત કરી નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે 04 એપ્રિલ થી 15 મે સુધીમાં કેટલા દર્દીઓની સારવારમાં ધમણ-1નો ઉપયોગ કરાયો છે તેની વિગતો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી નથી. કોંગ્રેસ ગુજરાતમાં કોરોના ફેલાવવા પાછળ મોદી-ટ્રમ્પના કાર્યક્રમને જવાબદાર માની રહી છે અને આ મુદ્દે ટુક સમયમાં હાઈકોર્ટમાં રિટ દાખલ કરશે.
અમદાવાદમાં કોરોનાથી 20મી મે સુધીમાં થયેલા 570 મોત પૈકી 351 મોત માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતાં ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલને કાળકોટડીથી પણ ખરાબ ગણાવી હતી. રાજ્યમાં કોરોનાથી 26મી મે સુધીમાં કુલ 915 દર્દીઓના મોત નીપજ્યાં છે.