અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યના લાખો ખેડૂતના વ્યાપક હિતમાં મુખ્યપ્રધાન કિસાન યોજનાની જાહેરાત કરી હતી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને કૃષિપ્રધાન આર.સી ફળદુની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ ખેડૂતો માટે કરાયેલી આ યોજનાની જાહેરાત મુદ્દે વિરોધ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકારની આ યોજનાને લોલીપોપ ગણાવી ખેડૂતોને જુમલા આપતી સરકાર છે તેવા ગંભીર આક્ષેપો કર્યાં હતાં.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મુખ્યપ્રધાનની કરેલી જાહેરાત છેતરામણી અને લોલીપોપ સમાન છે વર્ષ 2014માં ભાજપે ખેડૂતોને બમણા ભાવ આપવાની વાત કરી હતી પરંતુ હાલની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે રાજ્યના ખેડૂતોનો વાસ્તવિક ખર્ચ અને આવક અડધી થઈ ગઈ છે રાજ્યના ખેડૂતોને વીઘા દીઠ 3200 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસે આક્ષેપ કરતાં જણાવ્યું કે 3200 રૂપિયામાં શું થઈ શકે છે. ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયા મળવાપાત્ર છે, ભાજપ જુમલા આપતી સરકાર છે. સરકાર આ જાહેરાત પાછી ખેંચે તેવી કોંગ્રેસની માગણી કરી છે, સાથે જ કોંગ્રેસે પોતાની છત્તીસગઢની સરકારની સાથે સરખાવીને ગુજરાત સરકારે પણ છત્તીસગઢની સરકારની યોજના પ્રમાણે સહાય કરવાની જાહેરાત કરી છે.