અમદાવાદ: શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોને રેડઝોનમાં નાખવામાં આવ્યા છે, ત્યારે સરકાર દ્વારા ગોમતીપુરમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે CIDના SP હરેશ દુધાતની નિમણૂક કરવામાં આવી છે.
ગોમતીપુર વિસ્તારમાં નિમણૂક થયેલા CIDના SP હરેશ દુધાત સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન થાય તે માટે ગોમતીપુરમાં ખાસ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારના તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખે તે મહત્વનું બનશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15મે ના રોજ શાકભાજીના ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરીને કાર્ડ આપવામાં આવશે.
શાકભાજીના ફેરિયાઓની જગ્યાની ફાળવણી તથા સોશિયલ ડિસ્ટેન્સિંગ અંગે હરેશ દુધાતે ગોમતીપુરના PI સાથે ખાસ ચર્ચા કરીને આયોજન પણ કર્યું છે. આ ઉપરાંત ગોમતીપુર વિસ્તારમાં દિવસમાં 2 વખત રેપિડ એક્શન ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ રેડઝોનમાં SP અને DYSP કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રેડઝોનમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઘટે તે માટે SP અને DYSPને ખાસ જવાબદારી સાથે ખાસ સત્તા પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી 200 કરતાં પણ વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આ સંખ્યામાં ઘટાડો થાય અને સંક્રમણને ફેલાતા અટકાવવા માટે CIDના SP હરેશ દુધાતને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.