- મેયર, ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની શુક્રવારે થશે નિમણૂક
- રંગીલા રાજકોટને મળશે 21માં મેયર
- મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો થયો હતો વિજય
રાજકોટઃ મહાનગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે માત્ર 1 વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલ જીતી છે. રાજકોટમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા મેયર, ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની આવતીકાલે નિમણૂક કરવામાં આવશે. જેને લઇને સવારે 11:00 કલાકે મનપાના રમેશભાઈ છાયા સભાગૃહમાં વિશેષ બોર્ડ મળશે. આ જનરલ બોર્ડમાં રાજકોટના મેયર, ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે જ વિવિધ કમિટીના 12 જેટલા સભ્યોની પણ નિમણૂક કરવામાં આવશે.
મેયર માટે ચાર કોર્પોરેટરોના નામની ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2021થી વર્ષ 2026 સુધી એટલે કે આગામી પાંચ વર્ષ સુધીના ટર્મ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આ વખતે પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે આવતીકાલે શુક્રવારે વિધિવત રીતે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. રાજકોટમાં મેયર માટે ચાર કોર્પોરેટરોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં પ્રબળ દાવેદાર ડો. પ્રદીપ ડવ, ડો.અલ્પેશ મોરઝરિયા, નરેન્દ્ર ડવ અને બાબુ ઉધરેજીયાના નામોની ચર્ચા છે. જ્યારે આવતીકાલે રાજકોટને નવા 21 માં મેયર મળશે.
આ પણ વાંચોઃ વડોદરા મનપાના મેયર સહિતના હોદ્દેદાર જાહેરઃ મેયર બન્યાં કેયૂર રોકડિયા અને ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી
વિવિધ કમિટીના સભ્યોની પણ નિમણૂક થશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર સાથે ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ વિવિધ કમિટીના સભ્યોની પણ નિમણૂક આવતીકાલે શુક્રવારે થવાની છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શિકા શાહ, જ્યોત્સનાબેન ટીલાળા, નયનાબેન પેઢડિયા, ડો. દર્શના પંડ્યાના નામની ચર્ચા છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દેવાંગ માંકડ, પુષ્કર પટેલ, જયમીન ઠાકર અને મનીષ રાડીયાના નામની ચર્ચા છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેન્દ્રસિંહ વાઘેલા, વિનુભાઈ ધવા અને પરેશ પીપળીયાના નામોની ચર્ચા છે.
શહેર ભાજપની સંકલન બેઠક મળશે
રાજકોટના મેયર, ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણુંક માટે શુક્રવારે 11:00 કલાકે મનપાની જનરલ બોર્ડ મળવાની છે. ત્યારે તેના અગાઉ એટલે કે 10 વાગ્યે રાજકોટ શહેર ભાજપની સંકલન બેઠક શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં મળશે. જેમાં રાજકોટ ભાજપના નવા ચૂંટાયેલા 68 કોર્પોરેટરો હાજર રહેશે. આ બેઠકમાં જ મેયર, ડેપ્યૂટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના બધા પદાઅધિકારીઓના નામની જાહેરાત થવાની શક્યતાઓ છે.