- ગુજરાત સરકારે શરૂ કરી હતી શ્રમિક અન્નપૂર્ણા યોજના
- કોરોના કાળમાં બંધ છે આ યોજના
- કોંગ્રેસની આંદોલનની ચીમકી
અમદાવાદ: ગુજરાત સરકારે (gujarat government) રોજબરોજનું રળીને ખાતા શ્રમિકો માટે પોષણયુક્ત આહાર નજીવા ભાવે મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના (shramik annpurna yojna) કરી હતી, પરંતુ જ્યારથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી આ યોજના બંધ છે. આ યોજનાના સ્ટોલ્સ શોભના ગાંઠિયા બની રહ્યા છે.
શ્રમ ચાલુ પણ ભોજન બંધ
ગુજરાતમાં હવે કોરોના નહિવત છે. તમામ પ્રકારની ધંધાકીય અને રોજગાર પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. બાંધકામની પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ચૂકી છે કેટલાય શ્રમિકો અમદાવાદ બહારથી અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાંથી રોજી મેળવવા આવતા હોય છે. તેમની આવક પણ ખૂબ જ ઓછી હોય છે.
આ પણ વાંચો: વડોદરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ
મોટાભાગના વિસ્તારોમાં આ સ્ટોલ્સ બંધ હાલતમાં
જેમાંથી તેમને પરિવારનો નિર્વાહ કરવાનો હોય છે. ત્યારે તેમને ફક્ત પાંચ રૂપિયામાં દાળ, ભાત, શાક ,રોટલી અને કચુંબર જેવું પૌષ્ટિક ભોજન મળી રહે, તેવા શુભ આશયથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેની ખુદ કોંગ્રેસે (congress) પણ પ્રશંસા કરી હતી .પરંતુ અત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આ સ્ટોલ્સ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જ્યાં એકાદ સ્ટોલ ચાલુ હોય ત્યાં ફક્ત ભાત અને શાક આપવામાં આવે છે.
આ પણ વાંચો: નવસારીમાં શ્રમિકોએ પોતાના મળેલા આવાસ ભાડે આપી દીધા
કોંગ્રેસની આંદોલનની ચીમકી
અસારવા યુથ કોંગ્રેસના પ્રમુખ જગદીશ માળીએ જણાવ્યું હતું કે, આ મહત્વકાંક્ષી યોજના બંધ થવાથી શ્રમિકોને ભોજન મળવું મુશ્કેલ બની રહ્યું છે. આજે અમદાવાદ કલેક્ટરને આ યોજના ફરી શરૂ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો અઠવાડિયાની અંદર આ યોજના શરૂ નહીં થાય તો તેમના દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે.