- બહુચર્ચિત શિવરંજની પર્વ શાહ હિટ એન્ડ રન કેસનો મામલો
- CCTVમાં દેખાતી અન્ય બીજી કાર પોલીસે શોધી કાઢી
- બ્લેક કલરની વેન્ટો કાર ધીરજ પટેલ નામના યુવકની
અમદાવાદ : શિવરંજની વિસ્તારમાં થયેલા બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં રિમાન્ડ બાદ પર્વ શાહને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુરૂવારે તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. મહત્વનું છે કે, આ કેસમાં પર્વ શાહને મીરજાપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ લેવા માટે કોર્ટને રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે માત્ર એક દિવસના એટલે કે ગુરૂવારે 1 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ધીરજ પટેલનું નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો
પર્વ શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની પાછળ પોલીસ પડી છે તેવી શંકાના આધારે તેઓએ પોતાની કાર ફુલસ્પીડમાં ચલાવી હતી. જે દરમિયાન શ્રમિક પરિવાર કચડાઈ ગયો હતો.મહત્વનું છે કે, પોલીસ હતી કે અન્ય કોઈ ? તે પર્વ શાહ અથવા તેના મિત્રોને પણ ખબર ન હતી. ત્યારે પર્વ શાહે પોતાની ગાડી શા માટે ન ઉભી રાખી જેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પોલીસે પર્વના નિવેદનને લઈ અન્ય બીજી ગાડીની CCTVના આધારે તપાસ કરતા ધીરજ પટેલ નામના શખ્સની વેન્ટો કાર હોવાનું જાણવા મળ્યું છે. જેને આધારે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
કલમ 188 મુજબ ધીરજ પટેલની પણ પોલીસ કરશે ધરપકડ
ધીરજ પટેલની જાહેરનામા ભંગ બદલ પોલીસ ધરપકડ કરી કરશે. જેમાં પોલીસ કેટલા મહત્વના મુદ્દાને લઈ પૂછપરછમાં કેટલા વાગે તેઓએ પોલીસને જોયા, પોલીસે તેઓને કેટલા વાગે પકડ્યા, શા માટે પોલીસ તેઓની ગાડીમાં બેઠી, પોલીસ ગાડીમાં બેસી ક્યાં જવાનું કીધું જેવા અનેક સવાલો પર પૂછપરછ કરવામાં આવી શકે છે. પોલીસ 188 કલમ એટલે કે કરફ્યુ ભંગ જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધી તપાસ કરવામાં આવશે. આ સાથે ધીરજ પટેલની પણ મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં ધીરજ પટેલ થલતેજથી ઇન્કમટેક્સ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાન સાથે હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
પર્વ શાહની મુશ્કેલીઓમાં પણ થઈ શકે છે વધારો
બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. કારણકે, અન્ય CCTVમાં અન્ય વેન્ટો કાર દેખાઈ રહી છે. જેની તપાસ કરવામાં આવતા તે કાર ધીરજ પટેલની છે. હવે પોલીસ ધીરજ પટેલની તપાસ કરી પર્વના નિવેદન સાથે સરખામણી કરશે તો પર્વની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.